કોવિડ-૧૯ નોવેલ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આજથી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-૧ કાર્ડધારકોને વિનામૂલ્યે ૧૦કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કીલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લામાં કુલ ૧,૯૭,૬૭૪એ.પી.એલ.-૧નોન એન.એફ.એસ.એ કાર્ડધારકો છે, જે પૈકી જામનગર શહેરમાં જ ૮૪,૬૯૯એ.પી.એલ-૧ રેશનકાર્ડ ધારકો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૧,૧૨,૯૭૫ કાર્ડધારકો છે. આ કાર્ડધારકોનેઅન્નનો પુરો જથ્થો મળી રહે તે માટે આજથી સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવાનો પ્રારંભ થયો છે. જેમાં જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારે ૮:૦૦ થી રાત્રિના ૮:૦૦ સુધી અનેજામનગર શહેરવિસ્તારમાં બપોરે ૨:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી અન્ન વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી પ્રારંભ થયેલ અન્ન વિતરણ ૧૭ એપ્રિલ સુધી થનાર છે.
મુખ્યમંત્રીએ નોન એન.એફ.એસ.એ એ.પી.એલ.-૧ કાર્ડધારકો કે જેઓ પોતાની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો ઘરે ધરાવતા હોય તેઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારીનું પાલન કરી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે તેવી અપિલ કરી હતી જેને જામનગરવાસીઓએ વધાવી છે. વિતરણના પ્રથમ દિવસે જ જામનગરના ૬૦૦ કાર્ડધારકોએ પોતાને મળતો જથ્થો જરૂરિયાતમંદ લોકો માટે જતો કરી સમાજના અન્ય લોકોને અનોખી રાહ ચીંધાડી છે.
પોતાનો જથ્થો જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરતા વિજયભાઇ ભંડેરી કહે છે કે, મારી પાસે અમારા પરિવાર માટે પર્યાપ્તમાત્રામાં જથ્થો છે ત્યારે સરકાર તરફથી મળતો મારો જથ્થો અન્ય જરૂરિયાતમંદને મળી રહે અને તેના પરિવારને મદદ મળી શકે તે માટે હું સરકારને જથ્થો પરત કરું છું.
આજથી શરૂ થયેલ અન્ન વિતરણ દ્વારા દરેક વર્ગને અન્ન મળી રહે, ગુજરાતનો કોઇ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેવી રાજ્ય સરકારની નેમ ચરિતાર્થ થઇ છે.
જે લોકો રાશનનો જથ્થો જતો કરશે તેને પ્રમાણપત્ર અપાશે
જામનગર જિલ્લાનાં ગ્રામ્યવિસ્તારના આજ સવારથી એપીએલ-૧ રાશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે લોકોને આ જથ્થાની આવશ્કયતા ના હોય તેમને સ્વેચ્છાએ આ જથ્થો જતો કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે જે લોકો આ જથ્થો જતો કરશે તેમને જિલ્લા તંત્ર દ્વારા સામાજીક સેવા અંગેનું ડિજીટલ પ્રમાણ પત્ર આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ માટે રાશનકાર્ડ ધારકે dso-jamgujarat.gov.in ઉપર પોતાની વિગત અને રાશનકાર્ડના પ્રથમ પાનાનો ફોટો મેઇલ કરવાનો રહેશે અથવા આ બંન્ને વસ્તુ મોબાઇલ નં. ૯૯૭૯૨ ૯૭૭૯૯ ઉપર વ્હોટસએપ કરવાનો રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી કેયુરભાઇ જેઠવાએ જણાવ્યું છે.