રાજકોટ સહિત રાજયભરના ૧૭.૫૯ લાખ છાત્રોની આજથી ‘કસોટી’: સવારના સેશનમાં ધો.૧૦માં ગુજરાતીનું પેપર લેવાયુ: ધો.૧૨ કોમર્સમાં નામાના મુળતત્વો અને સાયન્સમાં ભૌતિકવિજ્ઞાનનું પેપર લેવાશે.
પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક, પુષ્પગુચ્છ, ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરાયું: સૌરાષ્ટ્ર ગુજરાતમાં છવાયો પરીક્ષા ફીવર: વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ
વિદ્યાર્થીઓ અને વાલીઓ જેના આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને જે કસોટી માટે આખુ વર્ષ તનતોડ મહેનત કરી તે ઘડી આજે આવી પહોંચી છે. રાજયભરમાં આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. રાજયના કુલ ૧૭.૫૯ લાખ વિદ્યાર્થીઓની આજથી થનારી કસોટીના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પણ છાત્રોને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની શુભેચ્છા પાઠવી છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આજથી પખવાડીયા સુધી પરીક્ષા ફિવર છવાયો છે.
આજે સવારના સેશનમાં ધો.૧૦માં ગુજરાતી વિષયનું પ્રથમ ભાષાનું પ્રશ્ર્નપત્ર લેવાયું હતું. પ્રથમ દિવસે જ ધો.૧૦માં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. દરેક શાળાઓમાં પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ તેમજ ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોર બાદ ધો.૧૨ કોમર્સમાં નામાના મુળતત્વો અને ધો.૧૨ સાયન્સમાં ભૌતિકવિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
રાજયભરમાં આજથી શ‚ થયેલી બોર્ડની પરીક્ષા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પણ પરીક્ષાર્થીઓને સફળતાની શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, વર્ષભરની મહેનત, લગન અને પરિશ્રમનો નિચોડ પરીક્ષાખંડમાં પ્રશ્ર્નપત્રોના ઉતરોમાં વ્યકત કરીને કારકિર્દી ધડતરના આ અગત્યના સોપાનમાં સફળતા કેડી કંડારવાની તક આ પરીક્ષા પુરી પાડે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી શ‚ થયેલી બોર્ડની પરીક્ષા ૩૦ માર્ચ સુધી ચાલશે. જેમાં ધો.૧૦ની પરીક્ષા ૨૫ માર્ચે પૂર્ણ થશે. સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા ૨૭ માર્ચે અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૩૦ માર્ચે પૂર્ણ થશે. ધો.૧૦ની પરીક્ષા માટે સમગ્ર રાજયમાંથી ૧૧,૦૨,૬૨૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેના માટે રાજયમાં ૭૮ ઝોનની રચના કરી કુલ ૮૭૫ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૧૪,૯૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પરીક્ષા માટે ૫૧ ઝોન તેમજ ૪૯૬ પરીક્ષા કેન્દ્રો બનાવાયા છે.
સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં ૧,૪૧,૫૦૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે રાજયભરમાં કુલ ૧૩૫ કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે. ધો.૧૦માં આજે ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રથમ ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની પરીક્ષા સવારે ૧૦ થી ૧:૨૦ દરમિયાન લેવાઈ હતી. બપોરે ૩ થી ૬:૧૫ સુધી ધો.૧૨ કોમર્સની નામાના મુળતત્વો અને સાયન્સમાં બપોરે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન ભૌતિકવિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
રાજકોટ શહેરમાં ફાળવાયેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા અને ટેબલેટની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. પરીક્ષા દરમિયાન બહાર પાડેલા જાહેર નામા મુજબ પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા, વિદ્યાર્થીઓએ મોબાઈલ, કેલકયુલેટર, પુસ્તક સહિતના સાહિત્યને વર્ગખંડમાં લઈ જવા પ્રતિબંધ ફરમાવાયો છે. શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં રાજકોટ જિલ્લામાં લેવાનારી બોર્ડની પરીક્ષાનો કંટ્રોલ‚મ શ‚ કરાયો છે. તેમજ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં ૮ જેટલા ઝોન પાડવામાં આવ્યા છે. તેમજ તમામ ઝોનમાં ઝોનલ અધિકારીની પણ નિમણુક કરી દેવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે લોકલ ચેકીંગ સ્કવોર્ડ ઉપરાંત ગાંધીનગરથી ખાસ સ્કવોર્ડ પણ જિલ્લાભરના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રાખશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ચોરી અટકાવવા માટે આકરા પગલા લેવામાં આવે છે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આગામી પખવાડીયા સુધી રાજયભરમાં પરીક્ષા ફીવર છવાશે.
કરણસિંહજી સ્કૂલમાં કંટ્રોલ રૂમ ધમધમ્યો
રાજયભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અણબનાવ ન બને તે માટે દરેક જિલ્લા કક્ષાએ કંટ્રોલ‚મ બનાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કરણસિંહજી સ્કૂલ ખાતે કંટ્રોલ‚મ ધમધમ્યો છે. પરીક્ષા સંબંધિત તમામ ગતિવિધિઓ ઉપર કંટ્રોલ‚મ ખાતેથી ઓપરેટીંગ કરી શકાશે. વિદ્યાર્થીઓની હાજર-ગેરહાજરની સંખ્યા, પ્રશ્ર્નપત્રમાં કોઈ ભૂલ હોય, જિલ્લાભરમાં કોઈ કોપીકેસ નોંધાય તેમજ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે આ તમામ બાબતોનું મોનીટરીંગ કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે બનાવાયેલા કંટ્રોલ‚મમાંથી થઈ રહ્યું છે.