- ગુજરાત 2036 ઓલિમ્પિકની યજમાની કરવા સજ્જ
- અંતિમ બ્લુપ્રિન્ટનો ખર્ચ રૂ.34,700 કરોડથી રૂ.64,000 કરોડની વચ્ચે રહેવાનો અંદાજ: નાણાકીય ખર્ચ બે વિભાગમાં વહેંચાશે
2036 ઓલિમ્પિકની યજમાને કરવા માટે ભારતે દાવેદારી નોંધાવ્યા બાદ તૈયારીઓ માટે કમર કસી છે. 2036 સમર ઓલિમ્પિક્સ અમદાવાદમાં લાવવાનો અર્થ ફક્ત બિડ જીતવાનો નથી, પરંતુ શહેરના ભવિષ્યને ફરીથી આકાર આપવાનો છે. આ માટે, શહેરી વિકાસ વિભાગ અમદાવાદ અને ગાંધીનગરના માળખાગત સુવિધાઓનું પુનર્ગઠન કરવાની તૈયારી કરી રહ્યું છે.જેમાં અંતિમ બ્લુપ્રિન્ટનો ખર્ચ રૂ. 34,700 કરોડથી રૂ. 64,000 કરોડની વચ્ચે અંદાજવામાં આવ્યો છે.
“સમીક્ષા બેઠક – અમદાવાદ 2036 માટેની તૈયારી” શીર્ષક ધરાવતો આ દસ્તાવેજ આ અઠવાડિયે ગાંધીનગરમાં ઓલિમ્પિક બિડ માટે ઉચ્ચ–સ્તરીય સંકલન સમિતિના વિચારમંથન સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતના જોડિયા શહેરો અમદાવાદ અને ગાંધીનગર તેમજ ભારતના ચાર અન્ય શહેરો – ભોપાલ, ગોવા, મુંબઈ અને પુણેમાં પ્રતિષ્ઠિત રમતગમતના ભવ્યતાને લાવવામાં સામેલ અંદાજિત ખર્ચ દર્શાવે છે.
નાણાકીય ખર્ચને વ્યૂહાત્મક રીતે બે અલગ બજેટમાં વહેંચવામાં આવ્યો છે: ઓલિમ્પિક ગેમ્સ માટેની આયોજન સમિતિ (OCOG) બજેટ, જે આયોજન ખર્ચને આવરી લે છે, અને નોન–OCOG બજેટ, જે યજમાન શહેર માટે માળખાગત સુવિધાઓ અને સંચાલન ખર્ચને આવરી લે છે.
અમદાવાદ માટે અંદાજિત OCOG બજેટ રૂ. 18,600 કરોડથી રૂ. 41,100 કરોડની વચ્ચે છે. આમાં સ્પર્ધાઓ, કાર્યબળ, રહેઠાણ, ટેકનોલોજી, પરિવહન અને કામચલાઉ માળખા સહિત વિવિધ પ્રકારના સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે.
નોન–OCOG બજેટમાં સ્થળના પુનર્વિકાસ, નવા બાંધકામો અને પરિવહન માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે જરૂરી મૂડી રોકાણોનો સમાવેશ થાય છે – જે ખર્ચ રમતોના આયોજનના સીધા સંચાલન ખર્ચથી અલગ છે. “આ બજેટ હાલના રમતગમત સ્થળોને આધુનિક બનાવવા, નવી સુવિધાઓ બનાવવા અને ઇવેન્ટને ટેકો આપવા માટે પરિવહન નેટવર્કને અપગ્રેડ કરવા માટે સમર્પિત છે.
ભૂતકાળ અને ભવિષ્યના ઓલિમ્પિક સાથે સરખામણી કરવામાં આવે તો, આંકડા અમદાવાદને સમાન શ્રેણીમાં મૂકે છે.
સમીક્ષા દસ્તાવેજ મુજબ, લંડન 2012 માટે OCOG બજેટ રૂ. 22,449 કરોડ, રિયો 2016 માટે રૂ. 16,461 કરોડ, ટોક્યો 2020 માટે રૂ. 21,425 કરોડ અને પેરિસ 2024 માટે રૂ. 32,765 કરોડ હતું જ્યારે લોસ એન્જલસ 2028 માટે તે રૂ. 43,633 હોવાનો અંદાજ છે. અમદાવાદ માટે મહત્તમ અંદાજિત OCOG બજેટ પેરિસ 2024 કરતા પણ વધુ છે, જે મહત્વાકાંક્ષાનું પ્રમાણ દર્શાવે છે.
સમીક્ષા દસ્તાવેજમાં શેર કરાયેલા ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે લંડન 2012 માટે નોન–OCOG ખર્ચ નોંધપાત્ર રીતે વધારે રૂ. 71,073 કરોડ હતો, જે મુખ્યત્વે શહેર–વ્યાપી માળખાગત સુવિધાઓના વ્યાપક સુધારાને કારણે હતો. રિયો 2016નું નોન–ઓસીઓજી બજેટ 49,956 કરોડ રૂપિયા હતું, જ્યારે ટોક્યો 2020નું નોન–ઓસીઓજી બજેટ 27,046 કરોડ રૂપિયા હતું. પેરિસ 2024નું નોન–ઓસીઓજી બજેટ 21,343 કરોડ રૂપિયા હતું. અમદાવાદનું અંદાજિત નોન–ઓસીઓજી બજેટ તાજેતરના અને ભવિષ્યના ગેમ્સ સાથે સુસંગત હોવાનું જણાય છે, જે હાલના માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરીને સ્થળ વિકાસ માટે સંભવિત રીતે વધુ કેન્દ્રિત અભિગમ સૂચવે છે.
જાહેર ભંડોળના સ્ત્રોતોમાં યજમાન શહેરનું યોગદાન પણ શામેલ છે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC )ના બજેટમાંથી ફાળવણી; કેન્દ્ર અને રાજ્યનું યોગદાન: સરકારી મિશન દ્વારા સમર્પિત અનુદાન અને નાણાકીય સહાય; અને રાષ્ટ્રીય રમતગમત વિકાસ ભંડોળના હિસ્સામાંથી ખર્ચ કરવામાં આવશે. “ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે આંશિક રીતે લોટરી દ્વારા ભંડોળ પૂરું પાડવા અંગેની પણ યોજના છે.