છેલ્લા ત્રિમાસિક નફામાં ૬.૩ ટકાના ઉછાળા સાથે રૂા.૪૩૩૫ કરોડનો નફો રળ્યો!
દેશની અને વિશ્ર્વની નામાંકિત આઈટી કંપની ઈન્ફોસીસે છેલ્લા ત્રિમાસિક નફામાં ૬.૩ ટકાના ઉછાળા સાથે ૪૩૩૫ કરોડનો નફો રળ્યો છે. હાલ જે રીતે કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે તે પહેલા પણ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ આ સમયગાળામાં પણ ઈન્ફોસીસે જે નફો કર્યો છે તે તેની ક્રેડીબીલીટી હોવાનું પણ સુચવે છે. ગત વર્ષમાં કંપનીએ નેટ પ્રોફીટ ૪૦૭૮ કરોડનો કર્યો હતો જયારે કંપનીની આવકમાં ૮ ટકાનો વધારો થઈ ૨૩,૨૬૭ કરોડે પહોંચવા પામી હતી. ઈન્ફોસીસ કંપનીની આવક ગત વર્ષમાં ૨૧,૫૩૯ કરોડે પહોંચી હોવાનું સામે આવ્યું હતું. વિશ્ર્વમાં કોરોનાનાં કહેર વચ્ચે કંપનીએ વર્ષ ૨૦૨૧ માટે કંપની કેટલો નફો કરશે અને આવક શું હશે ? તે જણાવવાનું ઉચિત સમજયું ન હતું અને કહેવામાં આવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોઈ આવનારા સમયમાં નફાનો આંક મેળવવો મુશ્કેલ છે.
આ તકે કંપનીનાં સુત્રોનાં જણાવ્યા મુજબ કંપની પરિસ્થિતિને અનુરૂપ આવનારા સમયમાં નફા અંગેની માહિતી પુરી પાડશે. ઈન્ફોસીસનાં સીઈઓ અને એમડી સલીલ પારેખે જણાવ્યું હતું કે, કંપની લોકોને જરૂરીયાત મુજબની તમામ સેવાઓ યથાયોગ્ય રીતે પૂર્ણ કરશે અને લોકોને કોઈ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે. કંપની દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવનારો ટુંકો ગાળો દરેક ઉધોગ માટે કપરો હશે જેની અસર ઈન્ફોસીસને પણ પહોંચી શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિને અનુરૂપ કંપનીનાં સુત્રો દ્વારા મળતી વિગત મુજબ આ સમયમાંથી પણ કંપની યથાયોગ્ય રીતે બહાર આવશે અને બજારમાં પોતાનું આગવું સ્થાન પણ પ્રાપ્ત કરશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. ઈન્ફોસીસ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૦નાં નેટ પ્રોફીટમાં કુલ ૮ ટકાનો વધારો નોંધાયો હતો અને નફો ૧૬,૬૩૯ કરોડે પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે આવકમાં પણ ૯.૮ ટકાનો વધારો નોંધાતા આવક ૯૦,૭૯૧ કરોડે પહોંચી હતી ત્યારે કંપનીએ પણ તેનું છેલ્લું ડિવિડન્ડ ૯.૫૦ રૂપિયા પ્રતિ શેર જાહેર કર્યું છે.