શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮(શહેરી વિસ્તાર) નો પ્રારંભ
આણદાબાવા ટ્રસ્ટ સંચાલીત શારદા મંદિર તેમજ સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે કુલ ૨૨૬ બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવાયો
આણદાબાવા ટ્ર્સ્ટ સંચાલીત શારદા મંદિર તેમજ સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮(શહેરી વિસ્તાર) માં ગુજરાત રાજ્ય માહિતી નિયામકશ્રી એ.વી. કાલરીયા સહભાગી બન્યા હતા અને કુલ મળી ૨૨૬ બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે આ તકે બાળકોને ચિત્ત લગાવી અભ્યાસ કરવા શીખ આપી હતી.
માહિતી નિયામકશ્રીએ જણાવ્યુ હતુ કે, બાળકો પાસે કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે. તેને માત્ર નીખારવાની જરૂરત હોય છે. કોઇ બાળક અભ્યાસમાં નબળો હોય તો તેની પાસે રહેલી બીજી કોઇ કળાનો વિકાસ કરવો જોઇએ. કોઇ બાળક સારો ચિત્રકાર બની શકે તો કોઇ બાળક સારો ખેલાડી બની શકે છે.
ભગવાને તમામ લોકોને સરખા બનાવ્યા છે. તેમની પાસે ગરીબ અને તવંગર એવો કોઇ ભેદ નથી. એટલે જ ગરીબ પરિવારના છાત્રો ટાંચા સાધનોથી પણ પોતાની સારી કારકિર્દીનું નિર્માણ કરતા હોય છે.
વાલીઓને ટકોર કરતા માહિતી નિયામકશ્રીએ જણાવ્યુ હતુ કે,બાળક શાળાએથી ઘરે આવે ત્યારે વાલીઓને તેમના અભ્યાસ અંગે પુચ્છાકરવી જોઇએ. શાળામાં શું ભણાવ્યુ, કઇ પ્રવૃતિ કરાવી તે બાબતથી વાલીઓને વાકેફ થવુ જોઇએ. બાળકોને તેના અભ્યાસ સિવાયની કોઇપણ પ્રવૃતિમાં જોતરવા જોઇએ નહી.
તેજસ્વી બાળક આખા પરિવારને તારી દે છે જ્યારે અભ્યાસમાં નબળા હોય એવા બાળકોની વિશેષ તકેદારી રાખવા અને આવા બાળકો માટે શાળા સમય સિવાય પણ અભ્યાસ અંગે માર્ગદર્શન આપવા શિક્ષકોને સુચન કર્યુ હતુ.
માહિતી નિયામકશ્રીએ શૈક્ષણિક પુસ્તકો આપી બાળકોને આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, યોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા તેમજ ધોરણ ૯ તેમજ ૧૦ માં પ્રથમ તેમજ દ્વીતીય ક્રમે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. શાળા પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયેલ હતુ.
શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી વસંતભાઇ ગોરીએ પોતાના ભૂતકાળ વાગોળતા જણાવ્યુ હતુ કે,
હું આજ શાળાનો વિદ્યાર્થી હતો. તેમણે બાળકોને મોબાઇલ તેમજ ટીવીનો મર્યાદીત ઉપયોગ કરી વધારેમાં વધારે ધ્યાન ભણતરમાં આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કોર્પોરેટરશ્રી પ્રવિણભાઇ માડમ, શિક્ષણ સમિતીના સભ્યશ્રી નિતીનભાઇ માડમ, શિક્ષણ ખાતાના બીનાબેન દવે, આચાર્યશ્રી મેસવાણીયા, શ્રી આર.એમ.માકડીયા, શ્રી ડી.બી. દત્તાતેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.