સરકારી કચેરીઓના ચાલકો માટે પ્રેરણાનું ઝરણું એમ.એન.ગમારા: સરકારી ગાડીને જીવની જેમ સાચવી નવી નકોર રાખવા રોજ બે કલાક શ્રમ યજ્ઞ કરે છે
સરકારી કચેરી ખાતે પાર્ક કરેલ સરકારી વાહનને આટલો શણગાર ? જાણે પોતાના સંતાનનો જન્મદિવસ હોય તેમ સજાવી ગાડીને સોળે શણગાર કર્યો છે.તમને થશે. હશે ભાઇ, આ તો, બતાવવા માટે જ કર્યું હશે. પરંતુ ના એવું નથી. આ ગાડી અને તેને ચલાવનારની વિશેષતાની વાતો હવે જાણીએ.
આ વાહન માહિતી ખાતું, રાજકોટ કચેરીનું સરકારી વાહન છે. વાહનને ચલાવનાર મંગાભાઇ નાજાભાઇ ગમારા છે. આજે 8 ડીસેમ્બર તેમનો પોતાનો જન્મ દિવસ છે. તેમણે 57 વર્ષ પુરાં કરી 58 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. યોગાનુયોગ, તેમને સોંપયેલ વાહનને પણ આ ત્રણ વર્ષ પુરાં થયા છે.
સવાર પડે અને ગૃહસ્થ વ્યકતી જેમ નિત્યકર્મમાં રત થઇ જાય એવી જ ભાવના અને મમત્વ કામકાજના દિવસો દરમિયાન રાજકોટ પ્રાદેશિક કચેરીના પ્રાંગણમાં સરકારી વાહનની સફાઇમાં રત કર્મયોગી ગમારાભાઇમાં જોવા મળે. એક પણ ડાઘ વગર નવીનકોર શો રૂમ કંડીશનમાં હોય તેવું સ્વચ્છ અને સુધડ વાહનમાં તેમની કર્મ પ્રત્યેની અપાર નિષ્ઠાના અચુક દર્શન થાય.
સરકારી વાહન તો ઘણાં જોયા હશે. પણ આ વાહનની તો વાત જ નિરાળી છે. કોઇ પણ સમયે, કોઇ પણ દિવસે વાહન બહારથી તો એકદમ ચોખ્ખું હોય જ, અંદરથી પણ એટલું જ ચોખ્ખુ હોય, ગમે ત્યારે મુસાફરી કરવા તૈયાર જ હોય… પ્રવાસ પુરો થાય, મોડી રાત્રે પરત આવે તો પણ, વાહનમાં ડીઝલ, હવા, ઓઇલ વગેરે ચેક કરી સફાઇ કરી પછી જ વાહન ગેરેજમાં રાખે. અને હા સવારે તો સમયસર ગમારાભાઇ ઓફિસ સમય પહેલાં હાજર હોય જ. ત્રીસ વર્ષની સેવા કારર્કિદીમાં કયાંય ડાઘ નહી. કોઇ હળવો અકસ્માત પણ નહી. વાહનને ત્રણ વર્ષ
પુરા થયા તેમાં સર્વીસ સિવાયનો એક પણ વધારાનો રીપેરીંગનો ખર્ચ નહી. પંચરના પણ નહી. વાહન 35000 કિલોમીટર ચાલ્યું છે.
અદના માનવી ગમારભાઈ
ત્રીસ વર્ષની કારર્કિદીમાં 2006 થી 2015 સુધી 10 વર્ષ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલ ખાતે એમ્બયુલન્સમાં ફરજ બજાવી. ગંભીર દર્દીને પણ યોગ્ય દવાખાનામાં દર્દીના સગાં કહે તેમ તાત્કાલિક પહોંચાડયા. એક પણ દર્દીએ રસ્તામાં દેહ નથી છોડયો. દર્દીના સગાંઓ ઓછા હોય કે, એકલાં હોય, તો દર્દીને દાખલ કરવામાં પણ મદદ કરે. આવો માયાળુ સ્વભાવના માલિક એવા ગમારાભાઇને આજે પણ ધ્રોલ ગામના લોકો તેમની માનવીય સેવાઓને યાદ કરે છે.
વહીવટી કારણોસર માહિતી ખાતામાં 2016માં રાજકોટ ખાતે ફરી તેમની ફરજ પર હાજર થયા પ્રવાસમાં સાથે ગમારાભાઈની સાથે ઓફીસના કર્મચારી હોય કે પછી પટાવાળા કે અધિકારી એમને પૂરૂ સન્માન આપે. કયાંય જમવા નાસ્તો કરવા રોકાયા હોય તો સાથી કર્મચારીઓકે અધિકારીઓનાં આગ્રહ છતા જમવા સાથે ન જ બેસે અલગ જ બેસે એટલી આમન્યા એમણે સદા રાખી છે. શિસ્તબધ્ધતા,સુઘડતા અને સ્વચ્છતા તો એમના લોહીમાં જ.
જન્મદિવસની ઉજવણી
ગમારાભાઈએ જન્મદિવસનું આયોજન બે માસ અગાઉથી જ કરી દીધું હતુ. જોગાનુજોગ તેમને સોપાયેલા સરકારી વાહનનો ચાર્જ સંભાળ્યાને પણ આજે ત્રણ વર્ષ પૂરા થતા હોવાના પ્રસંગે ગમારાભાઈએ ગાડીને અંતરનાં ઉમળકાથી સજાવી. અને સરકારી વાહનનેખૂબ લાડ લડાવ્યા. ઓફીસના સૌ સાથીઓને જમાડયા આરીતે ગમારાભાઈએ સરકારી સેવાના સમર્પણું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.