સાહિત્યરસિકો જેની વર્ષભર આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે સાહિત્યની રસલ્હાણ સમો “ગુજરાત દિપોત્સવી અંક-2079” રાજકોટવાસીઓને માત્ર રૂ. 40ના ભાવે નિયત બુક સ્ટોલ પરથી મળી શકશે.
રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ’ગુજરાત દિપોત્સવી અંક-2079’નું તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું હતુ. દર વર્ષની પરંપરા અનુસાર માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થયેલ “ગુજરાત દિપોત્સવી અંક-2079” જાણીતા લેખકો ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંત મહેતા, જોરાવરસિંહ જાદવ, અજય ઉમટ, ડો. બળવંત જાની, કૃષ્ણકાંત ઉનડકટ, યાસીન દલાલ, ડો.ચંદ્રકાંત મહેતા, મધુ રાય સહિતના પ્રતિષ્ઠિત સર્જકોના સર્જનનો સમાવેશ કરાયો છે.
આ દિપોત્સવી અંક-2079માં 102 કાવ્ય, 36 નવલિકાઓ, 31 અભ્યાસલેખો, 19 વિનોદિકાઓ, 11 નાટિકાઓ વગેરેનો સંપુટ છે. આ ઉપરાંત ભારત દેશ અને ગુજરાત રાજ્યની અસ્મિતા, પારંપરિક વેશભૂષા, લોકજીવન, હસ્તકળા, ચિત્રકલા અને સાંસ્કૃતિક પર્વોના ફોટોગ્રાફ્સ અને ચિત્રોથી આ અંકને આકર્ષક રીતે અલંકારિત કરવામાં આવ્યો છે.
આ દિપોત્સવી અંક ફક્ત રૂ. 40ના દરે રાજકોટ સ્થિત રાજેશ બુક સ્ટોર અને મયુર એજન્સી ખાતેથી મળી શકશે.