રિઝર્વ બેંકના પ્રયાસો સફળતાની દિશામાં: આગામી દિવસોમાં ફુગાવો સ્થિરતા સાથે હળવો થવાની આશા’
હવે ફુગાવાનો ભોરિંગ નથાઈ ગયો છે. દેશમાં છૂટક ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 6.77 ટકા થયો છે, જે અગાઉના મહિને એટલે કે સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. છૂટક મોંઘવારી દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ભાવને કારણે થયો છે.
સરકારી ડેટા અનુસાર, સીપીઆઈ આધારિત છૂટક ફુગાવો આ વર્ષે જાન્યુઆરીથી 6 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. ઓગસ્ટ 2022માં છૂટક ફુગાવો 7 ટકા હતો, જ્યારે ઓક્ટોબર 2021માં છૂટક ફુગાવો 4.48 ટકા હતો. તે જ સમયે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, ખાદ્ય ફુગાવો ઓક્ટોબરમાં 7.01 ટકા રહ્યો હતો જે સપ્ટેમ્બરમાં 8.6 ટકા હતો.
ભારતીય રિઝર્વ બેંક સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે 2 ટકાના માર્જિન સાથે ફુગાવાને 4 ટકા પર લક્ષ્ય રાખવામાં નિષ્ફળ રહી છે. આ સંદર્ભમાં, સેન્ટ્રલ બેંકે સરકારને એક રિપોર્ટ મોકલ્યો છે જેમાં નિષ્ફળતાના કારણો અને સીપીઆઈને નીચે લાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો આપવામાં આવી છે.
અગાઉ જારી કરાયેલા ડેટાના અન્ય સેટમાં દર્શાવવામાં આવ્યું હતું કે ખાદ્ય, ઈંધણ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના નીચા ભાવને કારણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 19 મહિનાની નીચી 8.39 ટકા પર આવી ગયો હતો. તે ઓગસ્ટમાં 10.70 ટકા અને 12.41 ટકા હતો. રિઝર્વ બેંકે આ વર્ષે ચાર વખત મુખ્ય વ્યાજ દર વધારીને 5.90 ટકા કર્યો છે, જે એપ્રિલ 2019 પછી સૌથી વધુ છે. હાલ રિઝર્વ બેંકના પ્રયાસો સફળતાની દિશામાં છે. હવે આગામી ક્વાર્ટરમાં ફુગાવો 6 ટકાથી નીચે રહેવાની શક્યતા સેવાઈ રહી છે.