કેન્દ્ર સરકારે પેટ્રોલમાં રૂ. 5ની અને ડીઝલમાં રૂ. 10ની એક્સાઇઝ ડ્યુટી ઘટાડયા બાદ રાજ્ય સરકારે પણ બન્નેના રૂ. 7નો ઘટાડો કર્યો
અબતક, રાજકોટ : કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રજાને દિવાળી ઉપર મોટી ગિફ્ટ જાહેર કરી મોંઘવારીમાં રાહત આપી છે. પ્રથમ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં રૂ. 5ની અને ડિઝલમાં રૂ. 10ની એક્સાઇઝ ડ્યુટી ઘટાડયા બાદ રાજ્ય સરકારે પણ બન્નેના વેટમાં રૂ. 7નો ઘટાડો કર્યો છે. એટલે હવે પેટ્રોલમાં રૂ.12 અને ડિઝલમાં રૂ. 17નો ઘટાડો થયો છે.
દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. દિવાળી ટાણે મોંઘવારીથી પિડાતી જનતાને કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. જેના કારણે વાહનચાલકોમાં હાલ ખુશી જોવા મળી છે. સતત વધી રહેલા પેટ્રોલ – ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો અને તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સરકારે પણ પેટ્રોલ ડીઝલમાં મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે પણ બન્નેના વેટમાં રૂ. 7નો ઘટાડો કર્યો છે એટલે ગુજરાતની પ્રજાને હવે પેટ્રોલ રૂ. 12 અને ડીઝલ રૂ. 17 જેટલું સસ્તું મળશે.
વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021ના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સરકારને ઇંધણ પેદાશો પરની એકસાઇઝ આવક 1.71લાખ કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.28 લાખ કરોડ હતી. તેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર 2019 દરમિયાન એકસાઇઝ પેટે સરકારને 95,930 કરોડની આવક થઈ હતી. આમ 2019ના સ્તરે જોઈએ તો સરકારની એકસાઇઝ આવકમાં 79 ટકાનો વધારો થયો છે અને ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 33 ટકા વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સરકારને એકસાઇઝ કલેક્શન પેટે 3.89 લાખ કરોડની આવક થઈ હતી. જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 2.39 લાખ કરોડ હતી. આ દર્શાવે છે કે સરકાર પાસે ભાવ ઘટાડાને પૂરતો અવકાશ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઈકાલે પેટ્રોલના ભાવ રૂ. 106.37 હતા. જે આજે ઘટીને રૂ. 94.87 થઈ ગયા છે. આમ રૂ. 11.50નો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ગઈકાલે ભાવ રૂ. 105.84 હતા. જે આજે ઘટીને રૂ. 88.88 થઈ ગયા છે. જેમાં રૂ. 16.76નો ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારને આવકમાં વાર્ષિક રૂ.1 લાખ કરોડનો ફટકો પડશે
પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે તેની અસર સરકારની આવક પર પણ પડશે. આ ઘટાડાના લીધે સરકારની આવકમાં 8,700 કરોડનું નુકસાન થશે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયમાં સરકારને રૂપિયા 43,500 કરોડનો બોજ પડશે. આ ગણતરી એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન વપરાશના ડેટા આધારિત છે. ઘટાડા પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી પ્રતીલિટર રૂ. 32.9 અને ડીઝલ પર રૂ.31.8 હતી.
વેપાર ઉદ્યોગને પણ ફાયદો, અસહ્ય બનેલો પરિવહન ખર્ચ હવે ઘટશે
પેટ્રોલ -ડીઝલના આસમાને પહોંચેલા ભાવને કારણે વેપાર ઉદ્યોગનો પરિવહન ખર્ચ અસહ્ય બની ગયો હતો. જેના પગલે પ્રોડક્ટના કોસ્ટીંગની કિંમત પણ ઉંચી જઈ રહી હતી. એક સમયે ટ્રાન્સપોર્ટરોએ પણ ભાડામાં વધારો કરવા આંદોલનો છેડયા હતા. પણ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતા વેપાર ઉદ્યોગનો પરિવહન ખર્ચ ઘટશે અને ઘણો ફાયદો થશે.