જુનમાં ફુગાવો ૧.૫૪ ટકા થયો હોવાનું કહેવાય છે પણ હકિકતમાં શાકભાજી સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે
શાકભાજી, કઠોળ તથા દૂધની બનાવટો જેવા ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલા ઘટાડાને પરિણામે જૂન મહિનામાં છૂટક ફુગાવો ૧.૫૪ ટકાના ઐતિહાસિક તળિયે જોવાયો હતો. જોકે માઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોની નબળી કામગીરીને પગલે મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ગત વર્ષના આઠ ટકાની તુલનાએ ઘટીને ૧.૭ ટકાના સ્તરે ગગડી હતી. ફુગાવામાં થયેલા નોંધપાત્ર ઘટાડા તથા ઔદ્યોગિક ઉત્પાદન આંક(આઈઆઈપી)ના નબળાં દેખાવને કારણે આવતા મહિને યોજાનારી નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રિઝર્વ બેન્ક ચાવીરૂપ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી આશા પ્રબળ બની છે.
એક તરફ ફુગાવામાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે તો બીજી તરફ હકિકતમાં શાકભાજી સહિતની વસ્તુઓ ભાવ ભડકે બળી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે લોકો ખરીદી કરી રહ્યા નથી તો પછી આંકડાઓમાં ફેરફાર કેવી રીતે ભરોસાપાત્ર ગણી શકાય. વધુમાં આ વધારો ઘટાડો વિકાસનો છે કે મંદીનો તે પણ વિચારવાની બાબત છે.
ફુગાવા અંગે માહિતી આપતાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયને જણાવ્યું હતું કે છૂટક ફુગાવાનો ૧.૫૪ ટકાનો આંક ઐતિહાસિક તળિયું દર્શાવવા ઉપરાંત આર્થિક સ્થિરતમાં કોન્સોલિડેશનનો સંકેત આપે છે. આ અગાઉ ફુગાવાનું આટલું નીચું સ્તર ૧૯૯૯માં અને તે પહેલાં ઓગસ્ટ, ૧૯૭૮માં જોવાયું હતું તેમ તેમણે ઉમેર્યું હતું. ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ)ની વર્તમાન સીરિઝ જાન્યુઆરી, ૨૦૧૨માં રજૂ કરાઈ હતી. મે, ૨૦૧૭માં ફુગાવો ૨.૧૮ ટકાના સ્તરે જોવાયો હતો. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ(સીએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર મે મહિનાના (-)૧.૦૫ ટકાની તુલનાએ જૂન મહિનામાં સમગ્ર ફૂડ બાસ્કેટમાં ૨.૧૨ ટકાનું સંકોચન જોવાયું હતું. શાકભાજીના ભાવનો ફુગાવો ૧૬.૫૩ ટકા તથા કઠોળના ભાવનો ફુગાવો ૨૧.૯૨ ટકા ઘટ્યો હતો. જોકે માસિક ધોરણે ફળ-ફળાદીના ભાવમાં વધારો નોંધાયો હતો.
સીએસઓ દ્વારા જારી કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા મુજબ ગત વર્ષના સમાનગાળાના ૭.૩ ટકાની તુલનાએ ચાલુ વર્ષે એપ્રિલ-મેના સમયગાળા દરમિયાન ફેક્ટરી ઉત્પાદન ઘટીને ૨.૩ ટકા નોંધાયું હતું. દેશમાં રોકાણના મહત્વના સંકેત ગણાતાં કેપિટલ ગૂડ્ઝ સેગમેન્ટમાં ઉત્પાદન મે, ૨૦૧૬ના ૧૩.૯ ટકાની તુલનાએ સમીક્ષાના સમયગાળામાં ૩.૯ ટકા સંકોચાયું હતું. ક્ધઝ્યૂમર ડ્યુરેબલ સેગમેન્ટના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઈનિંગ સેક્ટરમાં ગત વર્ષે સમાન સમયગાળામાં જોવાયેલી ૫.૭ ટકાની વૃદ્ધિની તુલનાએ ચાલુ વર્ષે મે મહિનામાં ૦.૯ ટકાનો ઘટાડો જોવાયો હતો.