ઈંધણ પરની એકસાઈઝ ડયુટી ન ઘટતા મોંઘવારી દર નિયત્રિંત કરવો મુશ્કેલ; રેપોરેટ-રિવર્સ રેપોરેટમાં ઘટાડો કરવાની છઇઈંની વિચારણા
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત દઝાડી રહ્યા છે. માત્ર સામાન્ય વર્ગ જ નહીં પરંતુ સરકાર અને રિઝર્વ બેંકને પણ ચિંતામાં મૂકી છે. વધતા જતાં ઇંધણના ભાવને લઈ તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારામને વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે યુપીએ સરકાર દ્વારા લેવાયેલા બોન્ડનું વ્યાજ આજે પણ ભરપાઈ થઈ શક્યું નથી. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તે પાછળ યુપીએ સરકાર જવાબદાર છે. જો વ્યાજનો બોજો ન હોત તો મોદી સરકાર એકસાઈઝ ડયુટી ઘટાડી તમામને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપી શકત પરંતુ યુપીએ સરકારના બોન્ડને કારણે આ શક્ય બની રહ્યું નથી.
ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી પેનલની બેઠક મળી હતી. જેમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને એક્સાઇઝ ડ્યુટી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આરબીઆઇએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ પર વસૂલાતી એક્સાઈઝ ડ્યૂટી નહીં ઘટે તો ફુગાવો પણ નિયંત્રિત કરવો અઘરો બનશે.
શુક્રવારે મળેલી એમપીસીની મીટિંગની મિનિટ્સમાં જાહેર કરાયું કે, ફુગાવાથી ચિંતિત આરબીઆઈ પણ ચિંતિત છે. એક સભ્ય જેઆર વર્માએ રિવર્સ રેપો રેટ વધારવા માટે મત આપ્યો રિવર્સ રેપો રેટ મતલબ એ દર કે જે દરે બેન્કો આરબીઆઈને ધિરાણ આપે છે. જ્યારે અન્ય સભ્યોએ મત વ્યક્ત કર્યો કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપોરેટ વધારવો જોઈએ. જોકે હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટના દરમાં કેટલા અંશે ફેરફાર કરવામાં આવે છે તે આરબીઆઇની આગામી બેઠકમાં ખબર પડશે.