રાંધણ ગેસના ભાવમાં રાતોરાત 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો: મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ રફે દફે
ચોતરફ મોંઘવારથી ઘેરાયેલી જનતાને સરકાર દ્વારા વધુ એક ડામ આપવામાં આવ્યો છે. રાંધણ ગેસના ભાવમાં રાતોરાત 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવતા ઇતિહાસમાં પ્રથમવાર રાંધણ ગેસના ભાવ 1000 રૂપિયાને પાર થઇ ગયા છે.
ગેસ કંપનીઓ દ્વારા સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય છે. ગત મહિને ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયા બાદ આ વર્ષ 1લી તારીખે ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
દરમિયાન આજે રાતોરાત ઘરેલું રાંધણ ગેસના 14 કિલો 200 ગ્રામના સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા પ્રથમવાર રાંધણ ગેસના બાટલાના 1000 રૂપીયાને પાર થઇ ગયા છે. રાજકોટમાં હવે રાંધણ ગેસના બાટલાનો ભાવ 1005 રૂપીયા થઇ ગયો છે.
રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા ભિષણ યુધ્ધના કારણે ક્રૂડ બેરલના ભાવ આસમાને આંબી ગયા છે. યુધ્ધની અસરના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી અને રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે.
મધ્યમ વર્ગ માટે જીવવું મૂશ્કેલ બની ગયુ છે. તમામ ચીજ-વસ્તુઓમાં સતત ભાવ વધારા થઇ રહ્યા છે. જેના કારણે ગૃહીણીઓના બજેટ વેર-વિખેર થઇ ગયા છે. સતત ભાવ વધારાથી મધ્યમ વર્ગીય પરિવારની રાડ ફાટી ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો હોય જનતામાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.