દાળ-શાકભાજી સસ્તા: આરબીઆઈ આગામી મહિને નીતિગત દરોની સમીક્ષા કરશે
ફેબ્રુઆરીમાં મધ્યમ વર્ગનાં લોકોને મોટી રાહત મળી છે. જથ્થાબંધ ફુગાવો દર ઘટીને ૨.૨૬ ટકા થઇ ગયો છે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૦માં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી ૩.૧ ટકા હતી. જે ડિસેમ્બર ૨૦૧૯માં તે ૨.૫૯ ટકાએ હતી.
વર્ષ ૨૦૧૯ની સમાન સમયગાળામાં જથ્થાબંધ ભાવ અનુક્રમણિકા આધારિત મોંઘવારી ૨.૯૩ ટકા હતી. સરકારે સોમવારનાં રોજ મોંઘવારીનાં આંકડાઓ રજૂ કર્યા જે અનુસાર મુખ્ય રૂપથી ખાવા-પીવાનાં સામાનનાં જાન્યુઆરીની હરિફાઇએ ફેબ્રુઆરીમાં સસ્તા થવાને કારણ જથ્થાબંધ ફુગાવાનાં દરમાં આ ઘટાડો આવ્યો છે. મોંઘવારી દરમાં ઘટાડો આવવાનું સૌથી મોટું કારણ દાળ અને શાકભાજીઓની કિંમતમાં ઘટાડો છે. પરંતુ ઇંડા અને માંસ-માછલીનાં મોંઘવારી દરમાં થોડી તેજી ફેબ્રુઆરીમાં જોવા મળી છે.
ઈંડા અને માંસ-માછલીનો મોંઘવારી દર ૬.૭૩ ટકાથી વધીને ૬.૮૮ ટકાએ આવી ગયો. બટાકાનાં મોંઘવારી દરમાં પણ ઘટાડો જોવા મળ્યો. શાકભાજીઓમાં આનાં ભાવમાં ઘટાડાની અસર અનાજની મોંઘવારીમાં કપાતની રીતે જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં દાળનો જથ્થાબંધ ફુગાવો ૧૨.૮૧ ટકાથી ઘટીને ૧૧.૪૨ ટકા, જ્યારે બટાકાનો જથ્થાબંધ ફુગાવો ૮૭.૮૪ ટકાથી ઘટીને ૬૦.૭૩ ટકા અને ડુંગળીનો જથ્થાબંધ ફુગાવો ૨૯૩.૩૭ ટકાથી ઘટીને ૧૬૨.૩૦ ટકા રહ્યો. આ દરમ્યાન શાકભાજીનો જથ્થાબંધ ફુગાવો ૫૨.૭૨ ટકાથી ઘટીને ૨૯.૯૭ રહૃાો છે.
ગયા સપ્તાહે સરકાર દ્વારા છૂટક ફુગાવાનાં આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. અનાજની કિંમતોમાં ઘટાડો થતાં છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં ધીમો પડીને ૬.૫૮ ટકા પર આવી ગયો. ગ્રાહક ભાવ અનુક્રમણિકા આધારિત મોંઘવારી જાન્યુઆરી ૨૦૨૦માં ૭.૫૯ ટકા હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૧૯માં આ આંકડો ૨.૫૭ ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયનાં આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૦માં અનાજ ક્ષેત્રની મોંઘવારી ઘટીને ૧૦.૮૧ ટકા રહી કે જે જાન્યુઆરીમાં ૧૩.૬૩ ટકા હતી.
એપ્રિલમાં ભારતીય રિઝર્વ બેંક પોતાની દ્રિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં પ્રમુખ નીતિગત દરોની સમીક્ષા કરશે. આરબીઆઇએ છૂટક ફુગાવાનાં ચાર ટકા પર સીમિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. એવાં સમયમાં સરકાર દ્વારા ફુગાવાનાં આંકડાઓ રજૂ થવા એ મહત્વનું છે.