કાલાવડનું દંપતી, જસદણના વૃધ્ધા, થાનગઢની યુવતી અને પોરબંદરના કંડકટર અમદાવાદથી આવ્યા બાદ થયા કોરોનાગ્રસ્ત: અમદાવાદથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવા જરૂરી, નહિતર જોખમ વધશે
રાજકોટમાં જામકંડોરણા અને જૂનાગઢમાં સવારે વધુ એક-એક કેસ નોંધાયો
અમદાવાદ સૌરાષ્ટ્રને ચેપ લગાવી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્રમાં મોટાભાગના કેસો અમદાવાદથી ચેપગ્રસ્ત થયા હોવાનાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા ૧૧ કેસ નોંધાયા છે. જેમાના ૫ કેસ અમદાવાદના કારણે પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કાલાવડના દંપતિ, જસદણના વૃધ્ધા, થાનગઢની યુવતી અને પોરબંદરના કંડકટરનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાથી આવતા લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે અમરેલી અને જામનગર જિલ્લામાં બે-બે કેસ, જસદણના જંગવડ, થાનગઢ, પોરબંદર, જામકંડોરણા, જૂનાગઢ અને અભેપરમાં એક – એક કેસ નોંધાયા છે. જેમાં મળતી વિગતો અનુસાર રાજકોટના જામકંડોરણાના રાયડી ગામે સસરાના ઘરે રહેતા અને મૂળ ધોરાજીના વતની ૨૯ વર્ષીય યુવાન સુરત કામ ધંધા અર્થે ગયો હતો જે ત્યાંથી પરત ફરતા અહીં રિપોર્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવ્યો છે જયારે અમદાવાદથી કાલાવડ આવેલા અનેં હોમ ક્વોરન્ટાઇન દંપતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. થાનગઢ વિસ્તારમાં અભેપર ખાતે મુંબઈથી આવેલા જ્યોતિબેન ઉધરેજિયા અને થાનગઢ ખાતે અમદાવાદથી આવેલા નિકિતાબેન પરમારને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં જાફરાબાદના ટીંબી ગામના તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. તે ત્રણ દિવસથી અમરેલી સારવાર હેઠળ હતા જ્યાં સેમ્પલ લેવાયું હતું. સાવરકુંડલાની યુવતીની સુરત પોલીસે અમરેલી પોલીસને કસ્ટડી સોંપતા તેને કોર્ટમાં રજૂ કરાતા પૂર્વે થયેલો રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં નવા બે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે ગયેલા પોરબંદરના કંડકટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જસદણના જંગવડ ગામે ૮૦ વર્ષના વૃધ્ધા રાયબેન કરસનભાઈ ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે અમદાવાદથી આવ્યા હતા. આમ સૌરાષ્ટ્રના મોટાભાગના નવા કેસોમાં દર્દીઓ અમદાવાદની હિસ્ટ્રી ધરાવે છે.
બીજી તરફ જુનાગઢ જોશીપુરા વિસ્તારમાં એક વધુ પોઝિટિવ કેસ સામે આવતા જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૬ કોરોના પોઝેટીવનો આંકડો પહોંચવા પામ્યો છે.
જૂનાગઢમાં ગઈકાલે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી, ત્યારે આજે સવારે જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલ શાંતેશ્વર માં રહેતા એક ૬૫ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતાં તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, અને જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં આરોગ્ય અને તકેદારીના તમામ પગલા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં આજે જોષીપરા વિસ્તારના એક વૃદ્ધનો પોઝિટિવ આવતા જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૬ ઉપર પહોંચ્યો છે, જેમાંથી ૮ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા કુલ ૧૭ દર્દીઓ એક્ટિવ હતા ત્યારે હવે એકનો વધારો થતાં કુલ ૧૮ દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં કોરોના ગ્રસ્ત દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૧ દર્દી સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવેલ છે જ્યારે જૂનાગઢના ૨ દર્દીઓ હાલમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે.
ઉલ્લેખનીય છે કે હાલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે બીજા જિલ્લામાથી જે લોકો આવે છે. તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવતા નથી. પરંતુ હવે અમદાવાદથી આવતા લોકોને ક્વોરન્ટાઇન કરવા જરૂરી બને છે. કારણકે અમદાવાદના કારણે સૌરાષ્ટ્રમાં ચેપ ફેલાઈ રહ્યો છે. જો હવે અમદાવાદની હિસ્ટ્રી ધરાવતા લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં નહિ આવે તો સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવશે તે વાત નક્કી છે.
રાજકોટ સિવિલને પ્લાઝમા થેરાપીની મંજૂરી
ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલને પ્લાઝમા થેરાપીની મંજૂરી આપવામાં આવી છે. ઘણા દિવસોથી રાજકોટ મેડિકલ કોલેજ- સિવિલ હોસ્પિટલ દ્વારા આ મંજૂરી માટે આગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જે સફળ નીવડ્યા છે. હવે કોરોનાગ્રસ્ત દર્દી ડિસ્ચાર્જ થયાના ૨૮ દિવસ પછી અને જેનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે. તે દર્દી રિપોર્ટના ૧૪ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. બાદમાં આ પ્લાઝમાની મદદી કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલને પ્લાઝમા થેરાપીની મંજૂરી મળતા સમગ્ર સૌરાષ્ટ્રને તેનો લાભ મળવાનો છે.