કોરોનાગ્રસ્ત શિવસેના ‘બોખલાયુ’

એનસીપી ભાજપ સાથે મળીને સરકાર ઉથલાવે તેવી આશંકાથી શિવસેનાએ ભાજપ અને વડાપ્રધાન મોદી સામે પ્રહારો ઉગ્ર બનાવ્યા

દેશભરમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે તેમાં પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અતિ જોખમકારક તબકકામાં પહોચી છે. મહારાષ્ટ્રમાં હાલ શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સરકારની અણ આવડતના કારણે કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની છે. કોરોનાના સતત વધતા કેસોને રોકવા શિવસેના સરકારે હજુ સુધી રાજયમાંથી લોકડાઉન ઉઠાવ્યું નથી.

લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે બીજી તરફ ધંધા વ્યવસાય ઠપ્પ હોવાના કારણે સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી રાજયનાં પ્રજાજનોમાં શિવસેના સરકાર વિરૂ ધ્ધનું વાતાવરણ બની રહ્યું છે. જેથી કોરોનાગ્રસ્ત બનેલા શિવસેના બોખલાયું હોય એનસીપી ભાજપનો સાથ લઈ તેની દાંડી પાડી દેવા સક્રિય બન્યુ છે.

મહારાષ્ટ્ર સદીઓથી દેશના આર્થિક, સામાજીક અને આર્થિક ચળવળનું કેન્દ્ર બિંદુ રહ્યું છે. આવા મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દાયકાઓથી મરાઠાવાદના મુદે સ્થાનિક પાર્ટીઓ વચ્ચે રાજકારણ ખેલાય રહ્યું છે. જેમાં બે સ્થાનિક પક્ષો એનસીપી અને શિવસેના અત્યાર સુધી સામસામે હતા હાલમાં શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારમાં એનસીપી સાથી પક્ષ તરીકે સત્તામાં છે. પરંતુ ખંધા રાજકારણી ગણાતા શરદ પવાર હંમેશા ભાજપને નહીં શિવસેનાને એનસીપીનો હરીફ પક્ષ માને છે. જો શિવસેનાની પ્રતિષ્ઠ ખરડાય તો તેનો સીધો ફાયદો બીજા સ્થાનિક પક્ષ તરીકે એનસીપીને મળે જેથી એનસીપીએ રાજયમાં કોંગ્રેસને થાળે પડી દીધા બાદ હવે શિવસેનાનો વારો લેવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા શરદ પવારના ઈશારે અજીત પવારે ભાજપને ટેકો જાહેર કરીને નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા. પરંતુ આ પગલાના કારણે એનસીપીની પ્રતિષ્ઠાને નુકશાન થવાની સંભાવના ઉભી થતા પવારે પલ્ટી મારીને શિવસેના અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી પરંતુ એનસીપીનો સાથ લઈ સરકાર બનાવવા જતા શિવસેના ભાઠે ભરાયું હોય તેવો ઘાટ ઘડાયો છે. હાલમાં મુંબઈ સહિત રાજયભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ઠાકરે સરકારને કોરોનાને કાબુમાં કરવા સાચુ માર્ગદર્શન આપવાના બદલે એનસીપીના મંત્રીઓ ઉંધો માર્ગ ચીંધીને શિવસેનાની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવા પગલાઓ લેવડાવી રહ્યા છે. જેથી હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની ઠાકરે સરકારની કોરોના મુદે નિષ્ફળતા અને માંદગીના બિછાને પડેલા અર્થતંત્ર માટે માછલા ધોવાય રહ્યા છે.

જેનો લાભ લઈને આગામી દિવસોમાં એનસીપી આ મુદા પર શિવસેના સરકારમાંથી નીકળીને ભાજપ સાથે જોડાઈને સરકાર રચે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. કોરોનાના કહેર વચ્ચે એનસીપીની આ રાજકીય ગતિવિધિઓથી બોખલાયેલા શિવસેનાએ ભાજપની કેન્દ્ર સરકાર પર આક્રોશ વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગ રૂ પે શિવસેનાના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન સમયે ૨૧ દિવસમાં કોરોનાને કાબુમાં કરવાના મુદા પર પ્રહારો કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી ૨૧ દિવસમાં કોરોનાને કાબુ કરવાની વાતો કરતા હતા પરંતુ ૧૦૦ દિવસ બાદ પણ દેશમાં કોરોના કાબુમાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.