અબ આયા ઊંટ પહાડ કે નીચે
જો પાકિસ્તાન ભારતની 50 હજાર મેટ્રીક ટન ઘઉની સહાય અફઘાન મોકલવામાં પોતાની જમીનનો ઉપયોગ ન કરવા દયે તો તાલિબાન અને બીજા રાષ્ટ્રોની નજરમાંથી ઉતરી જાય, માટે ધરાર પરવાનગી આપી
અબતક, નવી દિલ્હી : સહાય માટે પણ પોતાની જમીનનો ઉપયોગ ન કરવા દેવાની મેલી મુરાદ સેવતું પાકિસ્તાન અંતે સીધું થયું છે. પાકિસ્તાને ભારતની અફઘાન સહાય માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાની નાછૂટકે છૂટ આપી છે. જો કે પાકિસ્તાન સહાય માટે પોતાની જમીનનો ઉપયોગ ન કરવા દયે તો તે બીજા રાષ્ટ્રોની નજરમાંથી ઉતરી જાત. જો પરવાનગી આપે તો ભારતની વિશ્વમાં વાહ વાહ થાય. આ દરમિયાન નાછૂટકે પાકિસ્તાને પરવાનગી આપી છે.
અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા બાદ સ્થિતિ ખરાબ થઇ રહી છે. દેશમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ભારતને માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાન મોકલવા માટે 50,000 મેટ્રિક ટન ઘઉં તેના પ્રદેશમાંથી પસાર થવા દેશે.
ઈમરાન ખાને રાજધાની ઈસ્લામાબાદમાં નવા સ્થાપિત અફઘાનિસ્તાન ઈન્ટર-મિનિસ્ટ્રીયલ કોઓર્ડિનેશન સેલની પ્રથમ સર્વોચ્ચ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઇમરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનને માનવીય સંકટમાંથી બચાવવા માટે મદદ મોકલવાની પણ અપીલ કરી હતી. મીટિંગ દરમિયાન ઇમરાને ભારત 50,000 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો અફઘાનને આપવા ઈચ્છે છે. તેને પોતાના દેશમાંથી જવા દેવાની પરવાનગી આપી હતી. ભારતે માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાનને આ ઘઉં આપવાની ઓફર કરી છે.
ગયા મહિને, ભારતે માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉંની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનને વાઘા બોર્ડર દ્વારા અનાજ મોકલવા વિનંતી કરી હતી. અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ ઈમરાન ખાનને વિનંતી કરી કે ભારતને પાકિસ્તાન મારફતે ઘઉંના પરિવહનની મંજૂરી આપો. મુટ્ટકીએ એવું પણ સૂચન કર્યું કે તાલિબાન સરકાર ભારત તરફથી માનવતાવાદી સહાય સ્વીકારવા તૈયાર છે.
ભારતે અફઘાન લોકોની માનવતાવાદી જરૂરિયાતોમાં યોગદાન આપ્યું છે. આમાં છેલ્લા એક દાયકામાં અફઘાનિસ્તાનને 10 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉં આપવાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પણ ભારતે અફઘાનિસ્તાનને 75,000 મેટ્રિક ટન ઘઉંની મદદ કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. જો કે, એવી માહિતી પણ સામે આવી છે કે પાકિસ્તાને અફઘાન લોકોને આપવામાં આવતી ભારતની મદદ પર પણ રોક લગાવી દીધી છે.