મહુવાની મેસવડની રામકૃષ્ણ ડેરીમાંથી રાજકોટની આઠ અલગ અલગ ડેરીઓમાં અખાધ્ય પનીરનો જથ્થો સપ્લાય કરાય તે પૂર્વે કોર્પોરેશનની ફૂડ શાખા ત્રાટકી: 1600 કીલો પનીરનો નાશ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેસવડ ગામમાથી રાજકોટ શહેરમાં અખાધ્ય પનીરનો જથ્થો ઘુસાડવાના કારસ્તાનનો આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખાએ પર્દાફાશ કર્યો છે. રામકૃષ્ણ ડેરીમાંથી રાજકોટની અલગ અલગ આઠ ડેરીઓમાં હલકી ગુણવતા વાળા પનીરનો જથ્થો સપ્લાય કરાઈ તે પૂર્વે સવારે ફૂડ શાખાએ ભૂતખાના ચોક નજીક બોલેરો પીકઅપ વાનને પકડી 1600 કિલોથી વધુ અખાધ્ય પનીરનો જથ્થો પકડી તેનો સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી દેવામા આવ્યો હતો.;
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી અને ફૂડ ઓફીસર ડો. હાર્દિક મહેતાએ જણાવ્યું હતુ કે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેસવડ ગામમાં આવેલી રામકૃષ્ણ ડેરી દ્વારા રાજકોટ શહેરની અલગ અલગ આઠ જેટલી ડેરીઓમાં હલકી ગુણવતા વાળુ પનીર મોકલવામાં આવે છે. ચોકકસ બાતમીના આધારે આજે સવારે ફૂડ વિભાગની ટીમ શહેરના ભૂતખાના ચોકમાં ભાડલાવાળા પેટ્રોલ પંપ પાસે વોચ રાખી બેસી ગઈ હતી.
દરમ્યાન સવારે 9.30 કલાક આસપાસ જી.જે. 4 એ.ડબલ્યુ 3877 નંબરની બોલેરો પીનઅપ વાનમાં ઈમ્તીયાઝ નામનો ડાયવર અખાધ્ય પનીરનો જથ્થો લઈને રાજકોટ શહેરમા ઘૂસ્યો હતો જેને રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો. આ પનીરના જથ્થાનું શહેરની અલગઅલગ ડેરીઓમાં વેચાણ કરવામાં આવે તે પહેલા 1600 કિલો પનીર પકડી લેવામાં આવ્યું હતુ રામકૃષ્ણ ડેરી દ્વારા પનીર રાજકોટની અલગઅલગ ડેરીઓના સંચાલકોને પ્રતિ ક્લિો રૂ. 190 મુજબ આપવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે રૂ. 3.04 લાખની કિંમતના આશરે 1600 કિલો પનીરનો સોખડા ડંમ્પીગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. પનીરનો નમુનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. કેટલા સમયથી મહુવાના મેસવડ ગામ ખાતે રાજકોટમાં અખાધ્ય અને હલકી ગુણવતા વાળો પનીરનો જથ્થો મોકલવામાંઆવતો તેની તપાસ કરવામાં આવી છે.