સરકારે મેન્યુફેકચરીંગ અને કૃષિ ક્ષેત્રમાં કરેલા ધડમુળથી સુધારાના પગલે જીડીપી વૃધ્ધિ દર ત્રિમાસીક ટોચે
ઉદ્યોગો અને ખેતીમાં સરકારે કરેલા ધડમુળથી સુધારા રંગ લાવી રહ્યાં છે. મેન્યુફેકચરીંગ અને કૃષિ પેદાશોમાં વૃદ્ધિના પરિણામે જીડીપીનો દર ૮.૨ ટકાની સપાટીએ પહોંચી ચૂકયો હોવાનું સેન્ટ્રલ સ્ટેટેટીકસ ઓફિસના આંકડાથી ફલીત થાય છે.
જૂન-એપ્રિલ ત્રિમાસિકમાં ચીનનો વૃદ્ધિદર ૬.૭ ટકા રહ્યો છે જેને પગલે ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની ગયું છે. અગાઉ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૪-૧૫માં ૮.૪ ટકા જેટલો ઊંચો જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૧૭-૧૮ના ચોથા અને છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી વિકાસદર ૭.૭ ટકા રહ્યો હતો.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસનાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૧૧-૧૨ની કોન્સ્ટન્ટ પ્રાઇસના આધારે ભારતનો જીડીપી ૨૦૧૮-૧૯ના પહેલા ત્રિમાસિકમાં રૂપિયા ૩૩.૭૪ લાખ કરોડ પર પહોંચ્યાનો અંદાજ છે. ૨૦૧૭-૧૮ના પહેલા ત્રિમાસિકમાં તે ૩૧.૧૮ લાખ કરોડ રૂપિયા હતો, જે ૮.૨ ટકાનો વધારો દર્શાવે છે, તેવી રીતે ૨૦૧૧-૧૨ની કોન્સ્ટન્ટ પ્રાઇસની બેઝિક પ્રાઇસ પર ત્રિમાસિક ગ્રોસ વેલ્યૂએડેડ(જીવીએ) રૂપિયા ૩૧.૬૩ લાખ કરોડ હોવાનો અંદાજ છે જે ૨૦૧૭-૧૮ના પહેલા ત્રિમાસિકમાં ૨૯.૨૯ લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.
જે ૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ૨૦૧૮-૧૯ના પહેલા ત્રિમાસિકમાં મેન્યુફેક્ચરિંગ, વીજળી, ગેસ, વોટરસપ્લાય અને અન્ય યુટિલિટી સર્વિસ, ક્ધસ્ટ્રક્શન, ડિફેન્સ અને અન્ય સેવાઓમાં વૃદ્ધિદર ૭ ટકાથી ઉપર નોંધાયો છે. સરકારના આંકડા પ્રમાણે કૃષિ, વન્યઉત્પાદન, માછીમારી અને માઇનિંગમાં ૫.૩ ટકાના દરે વૃદ્ધિ થઈ છે. ક્વોરિંઇંગ, વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનમાં ૦.૧ ટકા, બ્રોડકાસ્ટિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓ, રિયલ એસ્ટેટમાં ૬.૭ ટકા અને પ્રોફેશનલ સર્વિસિઝમાં ૬.૫ ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે.
કેન્દ્રીય નાણાસચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, જીએસટી જેવા સંખ્યાબંધ માળખાકીય સુધારાનાં ફળ હવે મળી રહ્યાં છે. આર્થિક બાબતોના સચિવ એસ. સી. ગર્ગે જણાવ્યું હતું કે, અર્થતંત્ર ફરી એક વાર સામાન્ય સ્થિતિમાં આવી ગયું છે. હવે ૮ ત્રિમાસિક બાદ આપણે ફરી એક વાર ૮.૨ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે.