ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ
પાણીના ભાવમાં દર વર્ષે 10 ટકાના વધારાને બદલે હવે માત્ર 3 ટકાનો જ વધારો કરવા સરકારની વિચારણા : સરકારના આ નિર્ણયથી ઉદ્યોગોને પ્રોડકશન ખર્ચ ઘટશે
રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાને લઇ, ગુજરાત સરકાર પાણીના શુલ્કમાં ઉદ્યોગોને રાહત આપવા માટેની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. જો આ અંગે નિર્ણય લેવાય તો ઉદ્યોગોને પ્રોડક્શન ખર્ચમાં ઘટાડો થશે.
રાજ્ય સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીના શુલ્કમાં વાર્ષિક 10% વધારો ટૂંક સમયમાં ઘટાડીને 3% કરવામાં આવે તેવી અપેક્ષા છે, કારણ કે સરકાર તેની જળ નીતિમાં ફેરફાર કરવા તૈયાર છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્યોગો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે વોટર ચાર્જમાં વાર્ષિક 10%નો વધારો ખૂબ જ મોટો છે.
જ્યારે મોટા ભાગના મોટા ઉદ્યોગો તેમના પાણીના શુલ્ક નિયમિતપણે ચૂકવી રહ્યા છે, ત્યારે ઘણા નાના એકમો ડિફોલ્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં, પાણીના ચાર્જના બાકી લેણાં રૂ. 3,700 કરોડ છે,” ટોચના સૂત્રએ જણાવ્યું હતું. ગુજરાતમાં પાણીના શુલ્ક અલગ-અલગ હોય છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના એકમો દક્ષિણ અને મધ્ય ગુજરાતના એકમો કરતા વધુ ચૂકવણી કરે છે.
સરકારી સ્ત્રોત અનુસાર, “1 એપ્રિલ, 2023 સુધીમાં, ગુજરાતમાં ઉદ્યોગ માટે સરેરાશ પાણીનો ચાર્જ 1,000 લિટર દીઠ રૂ. 41.79 હતો. તેની સરખામણીમાં, કેરળમાં આ આંકડો રૂ. 60.50, રાજસ્થાનમાં રૂ. 54.10 અને હરિયાણામાં રૂ. 20 છે. મધ્યપ્રદેશમાં, તે રૂ. 82.8 છે.
2022-23માં, રાજ્યમાં ઉદ્યોગોને 401.62 મિલિયન ક્યુબિક મીટર પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં રૂ. 1,513.79 કરોડ વોટર ચાર્જ વસૂલવામાં આવ્યા હતા. 2022-23માં ઉદ્યોગે રૂ. 1,474 કરોડ ચૂકવ્યા હતા. 31 માર્ચ, 2023 સુધીમાં, પાણીના શુલ્ક 3,786.66 કરોડ બાકી હતા, એક સૂત્રએ જણાવ્યું હતું. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો વાર્ષિક 10% વધારો ઘટાડીને 3% કરવામાં આવે તો સરકારને વાર્ષિક આશરે 106 કરોડ રૂપિયાની આવક ગુમાવશે. આ મુદ્દે મોટી સંખ્યામાં રજૂઆતો મળ્યા પછી, સરકાર વિવિધ વિભાગો વચ્ચે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે, સૂત્રોએ ઉમેર્યું.
કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં પાણીનો ભાવ ઓછો
કેરળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં પાણીનો ભાવ ઓછો છે. ગુજરાતમાં ઉદ્યોગ માટે સરેરાશ પાણીનો ચાર્જ 1,000 લિટર દીઠ રૂ. 41.79 હતો. તેની સરખામણીમાં, કેરળમાં આ આંકડો રૂ. 60.50, રાજસ્થાનમાં રૂ. 54.10 છે. મધ્યપ્રદેશમાં, તે રૂ. 82.8 છે. જ્યારે હરિયાણામાં પાણીનો શુલ્ક માત્ર રૂ. 20 છે.
સરકારના પાણીના રૂ.3700 કરોડ ફસાયા!
રાજ્યમાં અનેક ઉદ્યોગો ડિફોલ્ટ જાહેર થયા બાદ તેની બાકીની લેણી રકમ ચૂકવી શકતા ન હોય, જેથી વીજ કંપની સહિતના એકમોની રકમ બાકી હોય તે સ્વાભાવિક છે. પણ પાણીનો શુલ્ક પણ બાકી હોય તેવા એકમોની સંખ્યા મોટી છે. અત્યાર સુધીમાં, સરકારના પાણીના ચાર્જના બાકી લેણાં રૂ. 3,700 કરોડ છે.
ઉદ્યોગોની નિકાસ વધારવા પાણીના ભાવમાં રાહત મહત્વની
સરકાર ઉદ્યોગોની નિકાસ વધારવા એક પછી એક મહત્વના પગલાં ભરી રહી છે. તેવામાં ઉદ્યોગોની નિકાસ વધારવા પાણીના ભાવમાં રાહત આપવામાં આવે તે પણ ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન હશે. કારણકે તેનાથી ઉદ્યોગોનો પ્રોડક્શન ખર્ચ ઘટશે. જેનાથી ઉદ્યોગો નિકાસ કરીને બીજા દેશો સાથેની હરીફાઈમાં આગળ રહેશે.