તમામ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા મોરબી જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું : શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.એ બંધનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો

સાવચેતીના ભાગરૂપે મોરબી અને શાપરમાં ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા છે. તમામ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા મોરબી જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જ્યારે  શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.એ બંધનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે.

બીપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામું બહાર પાડી આજથી નવો આદેશ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ ઉદ્યોગોને ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા આદેશ કર્યો છે. મોરબી જિલ્લામાં સીરામીક યુનીટો, વિટ્રીફાઇડ યુનીટો, વોલ ટાઇલ્સ યુનીટો, સેનેટરીવેર યુનીટો, પેપર મીલ ઇન્ડસ્ટ્રીઝ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે.

આ ઔદ્યોગિક એકમોમાં સલામિત અને સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તથા મોરબી જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પણ ખુબ બહોળા પ્રમાણમાં થાય છે. સંભવિત વાવાઝોડાના નુકશાનની જાનમાલના નુકશાનને રોકવા અને અગમચેતીના પગલા લેવા પ્રતિબંધાત્મક પગલા લેવા વિશાળ જનહિતમાં આવશ્યક હોય જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1974 (1974નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ- 144 હેઠળ મોરબી જિલ્લામાં નીચે મુજબના જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

જાહેરનામાં અન્વયે દરિયા કિનારાના આસપાસના વિસ્તારમાં તથા સોલ્ટ પાન વિસ્તારમાં કોઇપણ વ્યક્તિઓની તથા પશુઓ અને વાહનો લઇ જવાની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. મોરબી જિલ્લાના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો જેવા કે સીરામીક એકમો (તમામ પ્રકારના), પેપરમીલ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ, સનમાઇકા ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ કેમીકલ પ્લાન્ટ, મોટા શેડ ધરાવતા તમામ ઉત્પાદક-પ્રોસેસીંગ યુનિટોમાં નીચે મુજબની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

કાચા માલ અને પાકા માલના લોડીંગ-અન લોડીંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પ્રતિબંધ, ફેકટરીના છાપરાના રીપેરીંગ અને મેન્ટેનેન્સની કામગીરી ઉપર પ્રતિબંધ, ફેકટરી પરિસરમાં મજુરોની તથા તેમના પરિવાર અને બાળકોની બિન સલામત સ્થળ ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ,.તમામ પ્રકારની ઉત્પાદક-પ્રોસેસીંગની કામગીરી ઉપર પ્રતિબંધ, વીજળી, નેચરલ ગેસ, LPG ની ભયજનક સ્તરથી વધારે સપ્લાય ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ શાપર વેરાવળમાં આજે એસો. દ્વારા ઉદ્યોગો બંધ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટીંગ યાર્ડ કાલથી બંધ

બીજી જાહેરાત ન કરાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે: ખેડૂતોએ જણસી ન લાવવા અનુરોધ

સૌરાષ્ટ્રમાં બીપરજોય વાવાઝોડું ત્રાટકે તેવી પ્રબળ સંભાવના છે. પ્રચંડ ચક્રવાતમાં જાનમાલની શક્ય તેટલી ઓછી હાની થાય તે માટે રાજ્ય સરકાર સતત એલર્ટ મોડમાં છે. દરમિયાન આજથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે. ખેડૂતોને જણસી ન લાવવા અપીલ કરવામાં આવી છે.

બીપરજોય વાવાઝોડું આવતીકાલે બુધવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લામાં મંત્રીઓને મોકલી દેવામાં આવ્યા છે. ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. દરમિયાન આજથી રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવાની ઘોષણા કરી દેવામાં આવી છે. ખેડૂતોને નવો માલ ઉતારવા દેવામાં આવશે નહી. દરમિયાન જે માલ પડ્યો છે. તેની હરરાજી કરવામાં આવશે.

રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, મોરબી, ગોંડલ, હળવદ, વાંકાનેર, જસદણ, માણાવદર, ઉપલેટા, સાવરકુંડલા, તાલાલા અને કાલાવડ સહિતના યાર્ડ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના યાર્ડ ત્રણ થી ચાર દિવસ બંધ રહેશે.

રાજકોટમાં ધંધા- રોજગાર બે દિવસ બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સની અપીલ

રાજકોટમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ અને ભારે પવનની આગાહી આપવામાં આવી હોય, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ વેપાર ધંધાને બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે એસો.ના સભ્યો ધંધો રોજગાર બંધ રાખે જેથી કોઈ જોખમ ન રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.