• નાણાકીય વર્ષ 2023-24ના નિર્ધારિત લક્ષ્યાંક સામે આવકમાં રૂ. 47.88 લાખનો ઉછાળો

રાજકોટ મધ્યસ્થ જેલની આવકમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023-24માં અધિક જેલ મહાનિદેશક દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલને રૂ. 1.73 કરોડની આવકનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેની સામે મધ્યસ્થ જેલની આવક ગત નાણાકીય વર્ષમાં રૂ. 2.21 કરોડ નોંધાઈ છે. જે નિર્ધારિત લક્ષ્યાંક કરતા રૂ. 47.88 વધુ છે. રાજકોટ મધ્યસ્થ જેલ આવકની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ તો છે જ સાથોસાથ રાજ્યભરની સૌથી વધુ આવક ધરાવતી ટોપ-3 જેલમાં પણ રાજકોટનો સમાવેશ થાય છે. ગુનાખોરીની રાહ છોડી કેદીઓ સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા ઉદેશ્ય સાથે જેલોમાં વિવિધ ઉદ્યોગો ચલાવવામાં આવે છે જેમાં બંદીવાનો ભાગ લઈ શકે છે. જે બદલ કેદીઓને નિર્ધારિત વેતન પણ ચૂકવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ જેલમાં વણાટ, સુથારી, દરજી, ભજીયા હાઉસ, બેકરી, ધોબી સહિતના કામો કરવામાં આવે છે.

મધ્યસ્થ જેલમાં ચાલતા ઉદ્યોગોમાં વણાટ કામમાં કુલ 30 જેટલાં બંદીવાનોની મંજુર ક્ષમતા છે જેની સામે 25 બંદીવાનો વણાટ ઉદ્યોગમાં રોકાયેલા છે. વણાટ ઉદ્યોગને રૂ. 35 લાખનું લક્ષ્યાંક આપવામાં આવેલ હતું જેની સામે રૂ. 58,25,466 ની આવક થવા પામી છે. સુથારી ઉદ્યોગમાં 25ની મંજુર ક્ષમતા સામે 17 કેદીઓ કાર્યરત છે. સુથારી વિભાગને રૂ. 9 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ આવક રૂ. 7,64,855 નોંધાઈ છે.

દરજી વિભાગમાં કુલ મંજુર થયેલી 40ની ક્ષમતા સામે 13 કેદીઓ કાર્યરત છે. દરજી વિભાગને રૂ. 24 લાખનો લક્ષ્યાંક આપવમાં આવેલ હતો જેની સામે રૂ. 26,99,829ની આવક થવા પામી છે. મધ્યસ્થ જેલ સંચાલિત ભજીયા હાઉસને વાર્ષિક રૂ. 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેની સામે આવક 1.84 લાખ નોંધાઈ છે.

મધ્યસ્થ જેલનો બેકરી વિભાગ 14 કેદીઓની મંજુર સંખ્યા ધરાવે છે પરંતુ આ વિભાગમાં 18 કેદીઓ કાર્યરત છે. નાણાકીય વર્ષ 2023-24માં બેકરી વિભાગને રૂ. 1 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો જેની સામે રૂ. 1,26,17,442 ની આવક નોંધાઈ છે. ધોબી વિભાગને રૂ. 30 હજારનો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો જેની સસમે રૂ. 27060ની આવક થવા પામી છે. જો કે, આ વિભાગમાં ફકત એક જ કેદી કાર્યરત છે.

નાણાકીય વર્ષ 2023-24માં રાજકોટ મધ્યસ્થ જેલને રૂ. 1,73,30,000ની આવક કરવા લક્ષ્યાંક આપવામાં આવેલ હતો જેની સામે રૂ. 2,21,18,652ની આવક થવા પામી છે ત્યારે નિર્ધારિત લક્ષ્યાંક કરતા જેલની આવકમાં રૂ. 47,88, 652નો વધારો નોંધાયો છે.

કેદીઓએ અડદીયાનું અભૂતપૂર્વ ઉત્પાદન કરી આવકનો આંકડો રૂ. 12 લાખએ પહોંચાડ્યો

રાજકોટ મધ્યસ્થ જેલમાં શિયાળાની ઋતુ દરમિયાન શુદ્ધ ઘીના અડદીયાનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ 2023-24ના ચાર માસના સમયગાળામાં આશરે 7 જેટલાં બંદીવાનોએ આશરે 3500 કિલોથી વધુ અડદીયાનું ઉત્પાદન કરી આવકને રૂ. 12.25 લાખ સુધી પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2022-23માં અડદીયાના વેચાણથી મધ્યસ્થ જેલના આશરે રૂ. 8 લાખની આવક થઇ હતી.

મધ્યસ્થ જેલના કુલ 271 બંદીવાનો શ્રમજીવી બન્યા

ગુનાખોરીના રવાડે ચડી મધ્યસ્થ જેલમાં ધકેલાયેલા કેદીઓને સમાજમાં પુન: સ્થાપિત કરવાના ઉદેશ્ય સાથે જેલોમાં ઉદ્યોગ ચલાવવામાં આવે છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાલતા ઉદ્યોગોમાં કુલ 271 કેદીઓએ ગુનાખોરી છોડી મહેનતથી રોજી રોટી કમાવવાનું શરૂ કર્યું છે. જેમાં 114 બિન કુશળ કેદીઓ, 51 અર્ધકુશળ કેદીઓ અને 106 જેટલાં કુશળ કેદીઓ શ્રમજીવી બન્યા છે.  ઉલ્લેખનીય છે કે જેલમાં અગાઉ કરેલા ગુનાઓના પસ્તાવાથી કેદીઓ પીડાય છે તેવામાં જેલમાં તેનો જે સમય પસાર થાય તે દરમિયા તેઓનું કૌશલ્ય નિખરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.