એકથી લઈ 10 એકર સુધીની જગ્યામા પાંચ ફૂટથી વધુ ઉંડાઈનું તળાવ બનાવી શકાશે
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરો બનાવવા માટે રાજ્ય સરકાર ચાલી રહેલા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં લોકભાગીદારીથી 75 અમૃત સરોવરો બનાવવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને દેશહિત માટે અને લોકોના કલ્યાણ માટે ગ્રામપંચાયત કે સરકારી ખરાબાની જગ્યામાં અમૃત સરોવરો બનાવવા માટે આહવાન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ કહ્યું હતું કે, કોઈ પણ ઉદ્યોગકાર ગ્રામ પંચાયતના તળાવ કે સરકારી ખરાબાની જગ્યામાં અમૃત સરોવર બનાવી શકશે. ઓછામાં ઓછું એક એકર અને મહત્તમ 10 એકરની જગ્યામાં પાંચ ફૂટથી વધુ ઊંડાઈનું સરોવર બનાવી શકાશે. તળાવ ખોદકામમાંથી નીકળતી માટીનો ખેતીકામ માટે ખેડૂતોને અથવા તો રોડ બનાવવા માટે હાઇવે ઓથોરિટીને આપી
તેમણે ઉદ્યોગપતિઓને ઇજન પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈમાં રાજકોટ જિલ્લાની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહી છે. આથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજકોટ જિલ્લામાં 75 અમૃત સરોવરો બનાવવાનું આયોજન છે. આ સરોવરોના નિર્માણથી જળસંચય તો થશે જ, સાથે-સાથે આઝાદીના લડવૈયાઓની સ્મૃતિઓ આપણામાં ગૌરવની લાગણી સંચિત કરશે. આ અમૃત સરોવરો રાષ્ટ્રીય પર્વ પર ધ્વજવંદન પણ કરી શકાશે.
જિલ્લા કલેક્ટરના આમંત્રણને અનેક ઉદ્યોગકારો, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને ઉત્સાહથી ઝીલી લીધું હતું અને અમૃત સરોવરો બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. દેશહિતના કામ માટે, જળસંચય માટે રાજકોટ જિલ્લાના ઉદ્યોગો પણ તત્પર હોવાની લાગણી ઉદ્યોગકારોએ વ્યક્ત કરી હતી.