રોજગાર આપવાના રેશિયામાં ૭૦ ટકાથી વધુ તાલીમાર્થીઓને મળે છે નોકરી
જૂનાગઢ મોટા શહેરોમાં તો યુવાનોને ટેકનીકલ શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ મળે છે. પરંતુ પછાત અને છેવાડાના વિસ્તારોમાં યુવાનોને ઘરઆંગણે ઔદ્યોગિક સંસ્થાઓમાં નોકરી મળે તેવુ કૌશલ્ય આપતી સંસ્થાઓ ઓછી જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા દરેક તાલુકા મથકે અદ્યતન સુવિધા સભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત કરવામાં આવી છે.જે ગ્રામ્ય કક્ષાએ યુવાનો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે
માણાવદર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં યુવાનો માટે રાજ્ય સરકાર દ્રારા ૨૦૧૧ માં માણાવદર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પ્રારંભ કરાયો હતો. આજે આ સંસ્થામાં ૨૫૦ થી વધુ યુવાનો જુદા-જુદા ટ્રેડમાં તાલીમબધ્ધ ઇન્સ્ટ્રકરો પાસેથી રોજગારલક્ષી તાલીમ મેળવી રહ્યા અહિં વાયરમેન, ઇલેટ્રીશ્યન, ફીટર, કોપા, ડિઝલ મીકેનીકલ, સીવણ ટેકનોલોજી સહિતના રોજગારલક્ષી અભ્યાસક્રમો કાર્યરત છે.
રોજગારલક્ષી તાલીમ પુર્ણ કર્યા બાદ આ યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી દ્રારા ખાનગી ઔદ્યોગિક એકમોને આમંત્રીત કરી રોજગાર મેળાઓ યોજવામાં આવે છે. જેમાં ૭૦ ટકાથી વધુ યુવાન તાલીમાર્થીઓને માસીક રૂપિયા નવ હજાર થી સોળ હજારના પગારે નોકરી પણ મળે છે. અહિં વાયરમેનમાં છેલ્લા એક વર્ષથી તાલીમ મેળવી રહેલા જાંબુળાના બરારીયા નાગદાને કહ્યુ કે, આ તાલીમથી હું આજે ઘરેલુ ઉપયોગ માટે સંપુર્ણ લાઇટફીટીંગ કરી શકુ છું, વિજ વપરાશયંત્રોમાં સલામતી તેમજ ઇલેકટ્રીક મોટરની કનેકશનો સહિતની તાલીમ મને મળી છે.
સીવણ ટેકનોલોજી અને કોમ્પ્યુટર માટે ટ્રેનીંગ બહેનોને ખુબ ઉપયોગી બને છે તેમ ભડુલા ગામની વાઢીયા જીજ્ઞાએ જણાવતા કહ્યુ કે, એક વર્ષમાં સંપૂર્ણ સીલાઇકામ શીખી જઇએ છીએ. આજે હું તો બ્લાઉઝ, ડ્રેસ, સલવાર, કુર્તા પણ બનાવુ છું. જાગૃતિ પરમારે તેમા સુર પુરાવતા કહ્યુ કે, અમને પુરક રોજગારીમાં આ તાલીમ ખુબ ઉપયોગી બનશે. કોમ્પ્યુટરથી તલીમબધ્ધ થયેલ મારડીયા રાજેશ્રી અને હડીયલ કોમલે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આશીર્વાદરૂપ છે તેમ ઉમેર્યું છે.
વર્ષ ૨૦૧૮ ના આ તાલીમ સંસ્થાના યુવાનોને મળેલ રોજગારીની આંકડાકીય વીગતો પર દ્રષ્ટીપાત કરીએ તો ફીટરના ૧૬ તાલીમાર્થી પૈકી ૧૬ ને ૧૦૦ ટકા રોજગારી, ઇલેકટ્રીશ્યન ૩૦ પૈકી ૧૯ ને, મીકેનીકલ ડીઝલ ૩૭ પૈકી ૨૨ ને, વાયરમેન ૧૬ પૈકી ૧૩ ને સીવણ ટેકનોલોજી ૯ પૈકી ૫ ને રોજગાર ભરતીમેળના માધ્યમથી સીધી જ નોકરી મળી હતી.