ઉનાળો સાંગોપાંગ પાર કરાવી દેવા ન્યારી ડેમમાં 165 એમસીએફટી અને આજી ડેમમાં 200 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે
રાજકોટવાસીઓને ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજય સરકાર દ્વારા 1350 એમસીએફટી નર્મદાના નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફેબ્રુઆરી માસમાં આજી ડેમમાં 879 એમસીએફટી અને ન્યારી ડેમમાં 105 એમસીએફટી પાણી ઠાલવાાયા બાદ ગઇકાલ રાતથી ફરી ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી શરુ કરવામાં આવ્યા છે. બીજા તબકકામાં ન્યારીમાં 165 એમસીએફટી અને આજીમાં ર01 એમસીએફટી પાણી ઠાલવાશે.
આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 1080 એમસીએફટી અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી પ્રથમ તબકકે જાન્યુઆી- ફેબ્રુઆરી માસમાં આજી ડેમમાં 879 એમસીએફટી અને ન્યારી ડેમમાં 10પ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. દરમિયાન ગત મહિને કોર્પોરેશન દ્વારા સરકારને વધુ એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં મંજુર થયેલા સૌની યોજના અંતર્ગત બાકી રહેલા નર્મદાના નીર આજી અને ન્યારી ડેમમાં 1પમી મે સુધીમાં ઠાલવવાનું શરુ કરવાની માંગણી કરવામાં આવી હતી.
દરમિયાન ગઇકાલ સાંજથી ન્યારી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરુ કરવામાં આવ્યું છે. 25.10 ફુટે ઓવરફલો થતા ન્યારી-1 ડેમનું લેવલ હાલ 15.58 ફુટ છે. ડેમમાં 498 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમમાં 165 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે. આગામી દિવસોમાં આજી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત 200 એમસીએફટી પાણી ઠાલવવાનું શરુ કરવામાં આવશે.
સૌની યોજના અંતર્ગત છ વર્ષમાં 9184 એમસીએફટી પાણી ઠાલવાયું
રાજકોટવાસીઓ માટે પાણીની ચિંતા કરતા, મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગ માંકડએ જણાવ્યું ઉનાળામાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, આજી-1 ડેમ માટે 631 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 365 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. પ્રથમ ન્યારી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે
હાલ, આજી-1 ડેમમાં 479.20 એમ.સી.એફ.ટી., ન્યારી-1 ડેમમાં 489.20 એમ.સી.એફ.ટી. અને ભાદર-1 ડેમમાં 19.80 એમ.સી.એફ.ટી. જથ્થો ઉપલબ્ધ છે. હાલના જથ્થા મુજબ, આજી-1 ડેમમાં 31મી મે સુધી, ન્યારી-1 ડેમમાં 10મી જુન સુધી અને ભાદર-1 ડેમમાં 31મી ઓગસ્ટ
સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય તેમ છે.
આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે આગોતરૂ આયોજન કરી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રી પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ચાલુ માસ દરમ્યાન તેમજ આગામી સમયમાં, આજી-1 ડેમ માટે 631 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 365 એમ.સી.એફ.ટી. મળી કુલ 996 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો નર્મદા નીર દ્વારા પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ ન્યારી-1 ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે.
સરકાર પાસે વધુ 630 એમસીએફટી નર્મદાના નીર માંગતું કોર્પોરેશન
ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાય અને રાજકોટની જળ જરુરીયાત સંતોષતા આજી તથા ન્યારી ડેમમાં પર્યાત માત્રામાં પાણીની આવક ન થાય તો આવા કપરા સંજોગોમાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સમક્ષ વધુ 630 એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે જેમાં આજી ડેમમાં 430 એમસીએફટી અને ન્યારી ડેમમાં 200 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવી છે. જો કે એક મહિના પૂર્વ કરાયેલી આ ડિમાન્ડને હજી સરકાર દ્વારા મંજુર કરવામાં આવી નથી.