પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટ્યકાર તારક મહેતાનાં ધર્મપત્ની ઈન્દુ તારક મહેતાનું અમદાવાદ ખાતે 75 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પૂર્વે આવેલા હાર્ટ અટેકને પગલે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની સ્થિતિ વધુ બગડેલી અને તેઓ કોમામાં ચાલ્યા ગયેલાં. ગયા વર્ષે 1 માર્ચના રોજ તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયેલું. ત્યારપછી ઈન્દુબેનની તબિયત નરમ રહ્યાં કરતી હતી.
ઈન્દુબેન મહેતાની અંતિમ યાત્રા આજે તારીખ 19 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યે તેમના અમદાવાદ ખાતેના નિવાસસ્થાન ‘પેરેડાઈઝ એપાર્ટમેન્ટ’ ખાતેથી નીકળશે અને પાલડી ખાતે આવેલા વી.એસ. સ્મશાનગૃહમાં તેમની અંતિમ વિધિ થશે. 20 જાન્યુઆરી, રવિવારે સાંજે 4થી 6 દરમિયાન ગજ્જર હૉલ, લૉ ગાર્ડન ખાતે રાખવામાં આવી છે.
તારક મહેતાની પ્રસિદ્ધ લેખશ્રેણી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માં ‘શ્રીમતીજી’નાં પાત્ર તરીકે જાણીતાં ઈન્દુ મહેતાને અંગત જીવનમાં તારક મહેતા વ્હાલથી ‘જાડી’ કહીને સંબોધતા, જ્યારે ઈન્દુબેન તારકભાઈને ‘વ્હાલુ’ કહીને સંબોધતાં એ વાત તારક મહેતાના પ્રસંશકો બહુ પ્રેમપૂર્વક યાદ કરે છે.
વધતી ઉંમર સાથે તારક મહેતાની કથળતી તબિયત છતાં તેમને લખતા રાખવામાં અને તેમની ઝીણામાં ઝીણી કાળજી રાખવામાં ઈન્દુબેનનો બહુ મોટો ફાળો હતો. હજુ ગયા મહિને જ 29 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે ‘તારક મહેતાઃ સ્મૃતિ વિશેષ’ નામના સ્મરણ ગ્રંથનું વિમોચન થયેલું, જેમાં ઈન્દુબેને પણ હાજરી આપેલી.