ગાય અને ભેંસનાં દુધમાં વનસ્પતિની હાજરી મળી આવતા પરીક્ષણમાં નમુના નાપાસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન અગાઉ ગાય અને ભેંસનાં દુધનાં નમુના લેવાયા હતા જે પરીક્ષણમાં નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે.
આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા પેડક રોડ પર બાલા હનુમાન ચોક પાસે જય ભેનાથ નમકીન સેન્ટરમાંથી ઈન્દૌરી પવા, નારાયણ કોમ્પલેક્ષમાં કનૈયા ટી સ્ટોલ અને ઠાકરધણી ટી સ્ટોલમાંથી પ્રીપેડ લુસ ચા, મવડી વિસ્તારમાં તિપતિ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ગોપાલ એજન્સીમાંથી ગોપાલ નમકીન તીખા-મીઠા મીકસ તથા કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં ન્યુ મયુર ભજીયા હાઉસમાંથી મીઠી ચટણીનાં સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે વડોદરા સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આરોગ્ય શાખા દ્વારા અગાઉ ગોકુલ ડેરી ફાર્મમાંથી ગાયનું લુસ દુધ અને ન્યુ ૮૦ ફુટ રોડ પર નિલકંઠ ડેરી માંથી ભેંસનું લુસ દુધનાં નમુનાં લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં વનસ્પતિની હાજરી જોવા મળતાં નમુના નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. લોકોની ફરિયાદ મળતાં લક્ષ્મીવાડી મેઈન રોડ પર બાલાજી પાર્લરમાં ચકાસણી કરતા એકસપાયરી ડેટવાળી ૧૫ કિલો ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાસ કરાયો હતો. ચોમાસાની સીઝનમાં ખોરાકજન્ય રોગચાળો ન વકરે તે માટે ફુડ સેફટી ઓફિસર દ્વારા સોરઠીયાવાડી, લક્ષ્મીવાડી મેઈન રોડ સહિતનાં વિસ્તારોમાં ૧૫ રેકડીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અનહાઈજૈનિક કંડિશન સબબ બે આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને ૮૫ કિલો જેટલા અખાદ્ય ખોરાકનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.