રાજકોટમાં ગુજરાતની ઓળખ સમાન અને સ્વાસ્થ્ય અને મેડિકલ ક્ષેત્રે એક હરણફાળ ડગલું એટલે કે એઇમ્સના નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. હજુ ગઈ કાલે જ રાજકોટ એઇમ્સનો લોગો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની ૧૪ અસ્મિતાને આવરી લેવામાં આવી છે. તો આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી જૂન-૨૦૨૨ સુધીમાં એઇમ્સમાં ઇન્ડોર સેવા શરૂ થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. તો સપ્ટેમ્બર માસમાં ફેકલ્ટીના ઇન્ટરવ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તો નવેમ્બરમાં ફર્નિચર અને સાધનોને લગાવાની કામગીરી શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં ઓપીડીની શરૂઆત કરવામાં આવશે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ સાયન્સ રાજકોટની કામગીરી જેટ ગતિએ કરવામાં આવી રહી છે. એઈમ્સ રાજકોટની ઓપીડી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા માટે તંત્ર પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. એઈમ્સ ભરતી કરી રહ્યું છે જ્યારે વહીવટી તંત્ર બાંધકામ દરમિયાન આવતા તમામ અડચણોને દૂર કરી રહ્યું છે. આ દરમિયાન એઈમ્સ રાજકોટે પોતાનો લોગો જાહેર કર્યો છે. જેમાં એક બે નહિ પણ પૂરા ૩૩ વિષયોને સમાવી લેવાયા છે. આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે જણાવ્યું હતું કે, એઇમ્સના લોગોમાં ગાંધીજીના ચરખા સાથે ૩૩ જીલ્લાની ઓળખ જોવામાં મળે છે. આ લોગોની ડિઝાઇન અને તેનું નિર્માણ મારી પત્નીએ કર્યું છે.
રાજકોટમાં ગુજરાતભર માટે મેડિકલ ક્ષેત્રે એક મહાકાય હબ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે એકબાદ એક એઇમ્સની કામગીરી પાર પડી રહી છે. આજ રોજ મળતા સમાચાર મુજબ આગામી જૂન-૨૦૨૨ સુધીમાં એઇમ્સમાં ઇન્ડોર સેવાઓનો પ્રારંભ શરૂ કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એઇમ્સ હોસ્પિટલના નિર્માણ બાદ ફક્ત રાજકોટ, સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતભરના દર્દીઓને અનેક રોગની અને તકલીફોથી છુટકારો મળી શકશે. એઇમ્સમાં હાર્ટ સર્જરી સહિતની મોટી-મોટી સર્જરીઓની પણ સારવાર શક્ય બની શકશે.
એઇમ્સની કામગીરીની સાથે ફેકલ્ટીની ભરતી પ્રક્રિયા પણ ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલના નિર્માણ બાદ ફેકલ્ટીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેમાં કુલ ૬૯ ફેકલ્ટીની ભરતી પ્રક્રિયાનો સપ્ટેમ્બર માસથી પ્રારંભ કરવામાં આવશે. સચોટ સારવારની સાથે નિષ્ણાંત ફેકલ્ટીની પણ નિમણૂક કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
તો નવેમ્બરમાં પણ એઇમ્સની બિલ્ડીંગના કામકાજ બાદ ફર્નિચરનું કામકાજ હાથ ધરવામાં આવશે. ઇમારત ઉભી થયા બાદ તેમાં ફર્નિચર સાથે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સાધનોને લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એક્સપર્ટ ટેક્નિશિયન સાથે સાધનો લગાવી દર્દીઓની સારવારમાં ઉમેરો કરવામાં આવશે.
એઇમ્સની કામગીરી પૂર્ણ થઈ જૂન-૨૦૨૨ સુધીમાં ઇન્ડોર ફેસિલિટી શરૂ કરવામાં આવશે. તો એઇમ્સમાં દિલ્હીથી ખાસ નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે. દિલ્હીની એક્સપર્ટ નર્સિંગ ટીમ એઇમ્સમાં કામગીરી ભજવશે. તો આ વર્ષાતે જ એઇમ્સમાં ઓપીડીની કામગીરી શરૂ કરવામાં આવશે. આ એઇમ્સ હોસ્પિટલ ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની સુવિધા સાથે કાર્યરત થશે.