અમેરિકી રક્ષા અને વિદેશમંત્રીએ ડ્રેગનને લીધું આડે હાથ: કહ્યું ચીનના વધતા જતા ખતરા સામે લડવા ભારત-અમેરિકા તૈયાર
ભારત અને અમેરિકા વચ્ચે અતિમહત્વકાંક્ષી ગણી શકાય એવા કરારો થયા છે. પાડોશી દેશ ડ્રેગન અને પાક સાથે હાલ ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વની મહાસતા દેશ અમેરિકા સાથેના કરાર એક અનોખી છાપ ઉભી કરશે. યુએસએ સાથેના વધતાં જતા ભારતના સંબંધોથી ચીન અને પાકિસ્તાનના પેટમાં અવશ્ય તેલ રેડાશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના બે દુત એટલે કે તેના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષામંત્રી માર્ક એસ્પર 2+2 વાર્તા માટે આજથી બે દિવસ ભારતની મુલાકાતે આવ્યા છે. નવી દિલ્હી ખાતે આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં અમેરિકી રક્ષામંત્રી અને વિદેશમંત્રીની સાથે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ વિદેશમંત્રી એસ. જયશંકરે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
BECA કરાર પર હસ્તાક્ષર
આજની આ બેઠક ઐતિહાસિક રહી છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેબેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ-BECA પર હસ્તાક્ષર થયા છે. જે મુજબ હવે, બંને દેશો એકબીજાના રક્ષા અને સૈન્ય ક્ષેત્રેની બાબતો એકબીજાને વહેંચશે. આ ઉપરાંત, ભારત અમેરિકાના મેપનો ઉપયોગ કરી સરંક્ષણ ક્ષેત્રે વધુ મજબૂતાઈ લાવી શકશે. રોકેટ, મિસાઈલ, ડ્રોનનુ વધુ સચોટ રીતે લોન્ચીંગ કરી શકશે.
આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ છે. 2 + 2 બેઠકમાં બંને દેશોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જેમાં કોરોના કટોકટી પછીની પરિસ્થિતિ, વિશ્વની વર્તમાન સ્થિતિ, સુરક્ષાને લઈ ઘણા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બંને દેશોએ પરમાણુ સહયોગ વધારવા માટે પગલાં લીધાં છે. અને સાથે સાથે ભારતીય ઉપખંડમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે વિગતવાર વાત કરી છે.
આ પાંચ કરારો પર હસ્તાક્ષર થયા
1. મૂળભૂત વિનિમય અને સહકાર કરાર (બીઇસીએ)
2. ભૂવિજ્ઞાન પર તકનીકી સહકાર માટે કરાર
3. પરમાણુ સહયોગ પરની વ્યવસ્થાને વિસ્તૃત કરવા પર કરાર
4. ટપાલ સેવાઓ પર કરાર
5. આયુર્વેદ અને કેન્સર સંશોધનમાં સહયોગ અંગે કરાર
ભારત-અમેરિકાની મિત્રતા દુનિયા માટે પણ મહત્વપૂર્ણ
યુએસના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરએ કહ્યું કે હાલના સંજોગોમાં ભારત અને અમેરિકાની મિત્રતા માત્ર એશિયા માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ ખૂબ મહત્વની છે. યુએસ સંરક્ષણ પ્રધાને ચીનને આડેહાથ લેતા કહ્યું કે દુનિયા સામે ચીનથી ખતરો વધી રહ્યો છે, આવી સ્થિતિમાં દેશોએ ભેગા થવું પડશે. ભારત-જાપાન અને અમેરિકા મળીને અનેક સૈન્ય કામગીરી કરશે. મલબાર એક્સાઇઝ પણ કરવામાં આવશે. આ સિવાય સંરક્ષણ માહિતી વહેંચણીમાં બંને દેશો નવા મંચ પર આગળ વધશે.
યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે બંને દેશો નવી અપેક્ષાઓ સાથે આગળ વધી રહ્યા છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ભારત-અમેરિકાની મિત્રતા મજબૂત થઈ છે. માઇક પોમ્પેએ કહ્યું કે આજે સવારે અમે ગલવાન ખીણની મુલાકાત લઈ યુદ્ધ મેમોરિયલમાં ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ચીન દુનિયાને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે- પોમ્પિઓ
તેમણે વધુમાં કહ્યું કે, ચીન દ્વારા ફેલાયેલા વાયરસની અસર આખી દુનિયા પર થઈ છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સતત અનેક યુક્તિઓ અપનાવીને દુનિયાને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ભારત અને અમેરિકા ફક્ત ચીન જ નહીં પરંતુ અન્ય તમામ પડકારો સામે લડવા તૈયાર છે. ભારત-અમેરિકા સંરક્ષણ, સાયબર સ્પેસ, અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં એકબીજાની સાથે છે અને તે મજબૂત રહેશે. અમે યુએનએસસીમાં ભારતની કાયમી બેઠકને સમર્થન આપીએ છીએ.
વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું કે આજની વાતચીત વિશ્વના બંને દેશોની અસર દર્શાવે છે. આજે અમેરિકા અને ભારતની બેઠક માત્ર બે દેશો વચ્ચેની બેઠક જ ન હતી, પરંતુ તે વિશ્વ પરના પ્રભાવ વિશેની પણ બેઠક હતી.
2 + 2 બેઠક પછી, યુએસના વિદેશમંત્રી માઇક પોમ્પીયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલની પણ મુલાકાત લઈ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.