ચીનને કાબુમાં રાખવા ભારતનું વધુ એક પગલું
યુધ્ધની સ્થિતિમાં બંને દેશ એક બીજાને સૈન્ય મદદ કરશે
ભારતે જાપાન સાથે હવે સૈન્ય સેવા માટે સમજુતી કરી છે. તેથી ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ભારતના આ પગલાથી ચીન હવે ભારત સામે કોઈપણ ઉંબાડીયા કરતા પહેલા સો વખત વિચાર કરશે.
ભારત-જાપાને હવે સૈન્ય સેવા પર સમજુતિ કરી છે. જે અંતર્ગત યુધ્ધ જેવી સ્થિતિમાં બંને દેશની સેનાઓને એકબીજાને જરૂરી મદદ કરશે. આ અગાઉ ભારતે અમેરિકા, ફ્રાન્સ, દક્ષિણ કોરીયા, સીંગાપુર તથા ઓસ્ટ્રેલીયા સાથે આવી સમજુતી કરી છે.
ભારત સંરક્ષણ સચિવ અજયકુમાર અને જાપાનના રાજદૂત સુઝુકી સતોશીએ મ્યુચ્યલ લોજીસ્ટીક સપોર્ટ એરેજમેન્ટ કરાર પર સહીઓ કરી હતી. આ પહેલા ૨૦૧૬માં ભારત અને અમેરિકાએ આવી સમજુતિ કરી હતી. તેનું નામ ધ લોજીસ્ટીક એકસચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ છે. આ સમજૂતિ અંતર્ગત ભારતને અમેરિકા સૈન્ય બેઝ જીબુટી ડિઓગો ગાર્સિયા, ગુઆમ અને સુબિક ખાતે બળતણ ભરવા અને આવવા જવાની પરવાનગી મળી છે.
સીમા વિવાદને લઈ એલએસી પર ચાલતા ઘર્ષણ વચ્ચે ભારતે હિન્દ મહાસાગરમાં ચીનની ઘેરાબંધી વધારી છે. આ સમયે ભારત-જાપાન વચ્ચે થયેલી આ ઐતિહાસિક સમજુતિ બહુમહત્વની ગણવામાં આવે છે.
સમજુતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જાપાની મિત્ર વડાપ્રધાન શિંઝો આબે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ આ અંગે એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.