યુદ્ધના વાદળો વિખેરાયા

સરહદે લાંબા સમયથી તણાવ વધી રહ્યો હતો. તબક્કાવાર બેઠકો બાદ પણ ચીન દ્વારા સેના પરત ખેંચવા મુદ્દે આડોડાઈ થતી હતી. પરંતુ ભારત સરકારે નાક દબાવતા બન્ને દેશો વચ્ચે સંધી સંધાઈ છે. બન્ને દેશો વચ્ચે તણાવ મહદઅંશે ઘટી ગયો છે. કમાન્ડર સ્તરની વાતચીતમાં બન્ને દેશોએ પોતાની સેનાને તબક્કાવાર હટાવવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો છે કે તણાવ ઓછો કરવા માટે બન્ને દેશ પોતાની સેના તબક્કાવાર હટાવશે. આ અંગે બન્ને દેશના લેફ્ટેનન્ટ જનરલની મંગળવારે આશરે ૧૨ કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે લેહ જશે. જ્યાં તેઓ પૂર્વી લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. તે સમયે સંરક્ષણ પ્રધાન લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી શકે છે. પૂર્વી લદ્દાખમાં છેલ્લા સાત સપ્તાહથી ભારત અને ચીનની સેના વચ્ચે અનેક જગ્યા પર અથડામણની સ્થિતિ હતી પરંતુ હવે યુદ્ધના વાદળો વિખેરાઈ ગયા છે.

મંગળવારે કમાન્ડર સ્તરની વાતચીતમાં બન્ને દેશે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરી હતી. તે સમયે પરસ્પર વિશ્વાસ વધારવા, મતભેદોને દૂર કરવા, એલએસી પરથી સૈનિકોને ટૂકડીઓમાં હટાવવા તથા સ્થિતિને સામાન્ય કરવાની વાત પર સહમતિ દર્શાવી હતી. હવે એ જરૂરી બની ગયું છે કે ભારતે જાતે જ આગળ વધીને ચીનને મળવું જોઈએ. સરહદ પર સૈનિકોની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પર સંપૂર્ણ અંકૂશ લાગવો જોઈએ. કોઈ પણ કટ્ટરપંથી પગલાં ઉઠાવવા જોઈએ નહીં અને ભારત-ચીનના સરહદી ક્ષેત્રોમાં શાંતિનું જતન કરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને બુધવારે જણાવ્યું હતું કે ભારત અને ચીનના કમાન્ડર લેવલની વાતચીત મારફતે સ્થિતિને સામાન્ય કરવામાં સારી પ્રગતિ થઈ છે.

કમાન્ડર સ્તરની વાતચીતમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન તરફથી સક્રિય પ્રયાસો થયાં છે. જો કે ભારત સરકાર કે ભારતીય સેના તરફથી લદ્દાખને લઈને કોઈ નિવેદન જાહેર થયું નથી. ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ દુર કરવા માટે બંન્ને  દેશોના સિનિયર અધિકારીઓ વચ્ચે મંગળવાર લગભગ  ૧૨ કલાક બેઠક ચાલી. સેનાના સુત્રો પ્રમાણે બંન્ને દેશો વચ્ચે લેફ્ટનન્ટ જનરસ સ્તરની ત્રીજી બેઠકમાં તે વાત પર ભાર આપવામાં આવ્યો કે બંન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં પ્રાથમિકતાના આધારે પગલાં ભરાશે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.