- એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સના કારણે છેલ્લા 31 વર્ષમાં દર વર્ષે 10 લાખ લોકોના મોત
એન્ટિબાયોટિક દવાઓના આડેધડ ઉપયોગના કારણે, આગામી 25 વર્ષમાં વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકો મૃત્યુ પામી શકે છે. ધ લેન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ 1990 અને 2021 વચ્ચેના લગભગ 31 વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી આ અનુમાન લગાવ્યું છે.
દવાઓના અતિશય ઉપયોગને કારણે, જ્યારે આ પ્રતિરોધ તમામ પ્રકારની દવાઓ જેમ કે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિબાયોટિક્સ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ માટે વિકસે છે, ત્યારે તેને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. સંશોધનમાં જે મોત જણાવાયા છે તેની પાછળનું કારણ આ છે.
સંશોધકોનો આ અંદાજ 204 દેશોમાં તમામ વય જૂથના 52 કરોડથી વધુ લોકોના તબીબી દસ્તાવેજો પર આધારિત છે. યુકેમાં ગ્લોબલ રિસર્ચ ઓન એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ પ્રોજેક્ટ હેઠળ આ અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સની પ્રતિકારકતા વર્ષ 2050 સુધીમાં લગભગ 3.90 કરોડ લોકોના મૃત્યુનું કારણ બની શકે છે. તે જ સમયે, આ પ્રતિકાર પરોક્ષ રીતે વધારાના 1.69 કરોડ મૃત્યુનું કારણ બની શકે છે. જો સમયસર સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો 2050 સુધીમાં વાર્ષિક મૃત્યુ દર 82 લાખના આંકડાને પાર કરી શકે છે.
આ જોખમને ખાળવા 26મીએ બેઠક
એન્ટિબાયોટિક પ્રતિકારનો આ અભ્યાસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠક 26મી સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે, જેમાં વિશ્વભરના સભ્ય દેશો એન્ટિબાયોટિક પ્રતિકારના બોજને દૂર કરવાના ઉપાયો પર ચર્ચા કરશે.
વૃદ્ધોમાં એન્ટિ બાયોટિકની વધુ અસર
વધુમાં, 1990 અને 2021 વચ્ચેના વલણો દર્શાવે છે કે એન્ટિબાયોટિક પ્રતિકારના કારણે મૃત્યુમાં 70 અને તેથી વધુ વયના લોકોમાં 80 ટકાથી વધુનો વધારો થયો છે અને ભવિષ્યમાં વૃદ્ધોને વધુ અસર કરવાનું ચાલુ રાખશે.
એશિયા અને આફ્રિકામાં વધુ ખતરો
સંશોધકોના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં એન્ટિબાયોટિક પ્રતિકારના કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ મૃત્યુમાં અનુક્રમે 68 ટકા અને 75 ટકાનો વધારો થયો છે. વર્ષ 2050 સુધીમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયામાં લગભગ 1.18 કરોડ લોકો આના કારણે મૃત્યુ પામી શકે છે. દક્ષિણ અને પૂર્વ એશિયા અને સબ-સહારન આફ્રિકાના અન્ય ભાગોમાં એન્ટિબાયોટિક પ્રતિકારને કારણે મૃત્યુ પણ વધુ હશે.