- યુસીસી પાસ થતા જ ઉત્તરાખંડમાં ભડકો ?
- હલ્દવાનીમાં પોલીસ સ્ટેશન અને સેંકડો વાહનોને આંગ ચાંપી દેવાય : કરફ્યુ લાગુ, શાળા- કોલેજો અને ઈન્ટરનેટ બંધ : 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગેરકાયદે મદરેસાને હટાવાતા અંધાધૂંધ પથ્થરમારાથી શૂટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવતા અફરાતફરી સર્જાઈ હતી. વધુમાં હાલ અહીં શાળા, કોલેજો બંધ રાખવામાં આવી છે.અને ઈન્ટરનેટ પણ બંધ રાખવામાં આવ્યું છે. જો કે ઘણા રાજકીય નિષ્ણાંતો માને છે કે યુસીસી પસાર થતા જ હિંસા ફાટી નિકળવી એ કઈક બીજું રંધાઈ રહ્યું હોવાનો સંકેત આપે છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે.
વાસ્તવમાં, પોલીસ પ્રશાસનની ટીમ હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ‘ગેરકાયદેસર’ બનેલા મદરેસા અને મસ્જિદને હટાવવા ગઈ હતી. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ કાર્યવાહીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ બેરિકેડ તોડતા અને ડિમોલિશન ઓપરેશનમાં રોકાયેલા પોલીસકર્મીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
જેસીબીની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ભીડ હિંસક બની ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા બાદ પથ્થરમારો કરવા લાગ્યો હતો. થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો. બુલડોઝર ચલાવવા આવેલા વહીવટીતંત્ર પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે થયેલા લોકોને શાંત કરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો, જેના કારણે હંગામો વધુ વધી ગયો. આ પછી રામનગરથી વધારાના દળો બોલાવવામાં આવ્યા હતા અને બનભૂલપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે ફરીથી ચાર્જ સંભાળ્યો હતો.
તોફાનીઓએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી હતી અને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. હંગામા બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ જ અતિક્રમણ હટાવવાની કામગીરી થઈ હોવાનો વહીવટી તંત્ર અને સરકાર દાવો કરી રહી છે. કોંગ્રેસે કહ્યું કે બંને પક્ષોએ ધીરજ રાખવી જોઈએ.
ઘાયલ પોલીસકર્મીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ખતરાની બહાર છે. હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ લોકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ છે. જેમ જેમ હોબાળો વધતો ગયો તેમ તેમ સરકાર પણ સાવધાન થઈ ગઈ.
દરમિયાન, મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજધાની દેહરાદૂનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.તેમણે અધિકારીઓને અરાજક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
દેહરાદૂનમાં મુખ્ય સચિવ રાધા રાતુરી, પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક કર્યા પછી, મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરીને વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે કોઈને ખેલ કરવા દેવા જોઈએ નહીં.
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદનાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે, અને આ વિસ્તારમાં શાળાઓ બંધ રાખવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ તાત્કાલિક કામ (મેડિકલ વગેરે) સિવાય ઘરની બહાર નીકળશે નહીં.
મહાનગરપાલિકાએ એક મદરેસા અને નમાજના સ્થળ સામે કાર્યવાહી કર્યા બાદ આ સમગ્ર હંગામો થયો હતો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મદરેસા ગેરકાયદેસર હતી અને 30 જાન્યુઆરીએ મહાનગરપાલિકાએ તોડી પાડવા માટે નોટિસ આપી હતી. કોર્પોરેશને ત્રણ એકર જમીનનો કબજો મેળવી લીધો હતો. મદરેસા અને નમાઝની જગ્યા પણ સીલ કરી દેવામાં આવી છે. મદરેસા ચલાવતી સંસ્થા હાઈકોર્ટમાં ગઈ હતી પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. જે બાદ આજે બપોરે 1 વાગ્યે ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. અમારી પાસે વિડિયો રેકોર્ડિંગથી લઈને તોફાનીઓ સુધીના ઘણા ઈનપુટ છે, તે બધા એકત્ર કરવામાં આવી રહ્યા છે. નુકસાન એ જ તોફાનીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવશે. માહિતી એકઠી કરવા માટે તોફાનીઓના પોસ્ટર પણ બહાર પાડવામાં આવશે. પોલીસ અને પ્રશાસને ધીરજ દાખવી છે. ગેરકાયદે અતિક્રમણ સામેનું અમારું અભિયાન અટકવાનું નથી.