- અત્યાર સુધીમાં 30 હજાર પેલેસ્ટાઈનીઓના મોત : નરસંહાર મુદ્દે યુએન સિક્યુરિટી કાઉન્સિલે ઈમરજન્સી બેઠક બોલાવી : અમેરિકી રાષ્ટ્રપતિએ પણ ઘટનાને વખોડી
ગાઝામાં મદદની રાહ જોઈ રહેલા લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર થતા 112 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા અને 760 ઘાયલ થયા છે. કેટલાક પેલેસ્ટાઈનનો દાવો છે કે ટેન્કોએ તેમના પર સીધું ફાયરિંગ કર્યું હતું.
મૃતકો અને ઘાયલોના આંકડા આપતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે ઈઝરાયેલ પર ‘નરસંહાર’નો આરોપ લગાવ્યો હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલે આ ઘટના અંગે ચર્ચા કરવા માટે ઈમરજન્સી બંધ બારણે બેઠક યોજી છે. ફ્રાન્સે કહ્યું કે ખોરાક મેળવવાનો પ્રયાસ કરતા લોકો પર ગોળીબાર ગેરવાજબી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલના અધિકારીઓએ સ્વીકાર્યું કે સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભીડ તરફથી ધમકી મળ્યા બાદ સૈનિકોએ ગોળીબાર કર્યો.
7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલાના જવાબમાં ગાઝા સિટી અને સમગ્ર ઉત્તર ગાઝાને ઈઝરાયેલના હવાઈ, દરિયાઈ અને જમીની હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે અને કેટલાક મહિનાઓથી આ પ્રદેશથી અલગ થઈ ગયા છે, જ્યાં સુધી કોઈ પણ પ્રકારની મદદ પહોંચી નથી. આ સાથે લગભગ પાંચ મહિના પહેલા શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 30 હજારથી વધુ થઈ ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 30,035 પર પહોંચી ગઈ છે, જ્યારે 70,457 લોકો ઘાયલ થયા છે. જો કે આંકડાઓ માર્યા ગયેલા નાગરિકો અને સૈનિકોની સંખ્યાની વિગતો આપતા નથી, પરંતુ મહિલાઓ અને બાળકો લગભગ બે તૃતીયાંશ છે.