દૂષિત પાણીથી ઝાડા-ઉલ્ટીના વધતા બનાવોથી મેયર લાલઘૂમ: તમામ વાલ્વ ચેમ્બરો સાફ કરવા અને દરેક વોર્ડમાંથી પાણીના નમૂના લેવા આદેશ
અબતક – રાજકોટ
મેયર ડો.પ્રદિપ ડવના મતવિસ્તાર એવા વોર્ડ નં.12માં દૂષિત પાણી પીવાના કારણે 45 લોકો ઝાડા-ઉલ્ટીના સંકજામાં સપડાયા છે. અન્ય વોર્ડમાંથી પણ દૂષિત પાણીની ફરિયાદો સતત ઉઠી રહી છે. ખુદ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા એવો આડકતરો એકરાર કરવામાં આવી રહ્યો છે કે શહેરભરમાં દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યુ છે. દરમિયાન મેયરે શહેરભરમાં તમામ વાલ્વ ચેમ્બરો સાફ કરવાની ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવા અને દરેક વોર્ડમાંથી રેન્ડમલી પીવાના પાણીના 8 થી 10 નમૂના લેવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. આજથી ત્રણેય ઝોનમાં વોટર વર્ક્સ શાખા દ્વારા વાલ્વ ચેમ્બર સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે બોરના પાણીના પણ સેમ્પલ લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં દૂષિત પાણી પીવાના કારણે 45 લોકો ઝાડા-ઉલ્ટીના સંકજામાં સપડાયા હતાં. વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીના મતવિસ્તાર એવા વોર્ડ નં.15માં અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાના મતવિસ્તાર એવા વોર્ડ નં.17માં પણ દૂષિત પાણીના પ્રશ્ર્નની સમસ્યા ઉભી થઇ હતી. ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવે મ્યુનિ.કમિશનર અમિત અરોરાને એક ધગધગતો પત્ર લખ્યો છે તેમાં તેઓએ જણાવ્યું છે કે મારા વોર્ડ ઉપરાંત શહેરના અન્ય વોર્ડમાં પીવાના પાણીમાં ડ્રેનેજ, કેમીકલ અને મકાનના બોરમાં સભળવાના કારણે જુદા-જુદા વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા છે. આવા બનાવોના કારણે કોર્પોરેશને લોકોના રોષનો ભોગ બનવુ પડે છે.
શહેરીજનોને પીવાનું શુદ્વ પાણી મળી રહે તે માટે વોટર વર્ક્સની હેઠળ તમામ વાલ્વ ચેમ્બરોની સફાઇ કરાવવા અને ડ્રેનેજનુ પાણી જો પીવાના પાણી સાથે ભળતું હોય તો તેને ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ વોર્ડમાંથી પીવાના પાણીના નમૂના લઇ તેની ચકાસણી કરવા પણ સૂચના આપી છે. જો જરૂર પડે તો બોરના પાણીના પણ સેમ્પલ લેવા જણાવ્યું છે.