૧૯૮૪ની 30 ઓક્ટોબરે ઇંદિરા ગાંધીએ એક ચૂંટણીભાષણ આપ્યું હતું. એ ભાષણ હંમેશની માફક તેમના માહિતી સલાહકાર એચ. વાય. શારદાપ્રસાદે તૈયાર કર્યું હતું. જોકે, ઇંદિરા ગાંધી એ ભાષણથી હટીને કંઈક અલગ જ બોલવા લાગ્યાં હતાં. તેમનો ભાષણ કરવાનો અંદાજ બદલાઈ ગયો હતો. તેમને કહ્યું હતું, ”હું આજે અહીં છું, કાલે ન પણ હોઉં. હું રહું કે ન રહું તેની મને ચિંતા નથી. મારું જીવન ઘણું લાંબુ રહ્યું છે. મેં મારું જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે તેનો મને ગર્વ છે. છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરતી રહીશ. હું જ્યારે મરીશ ત્યારે મારા લોહીનું એકેએક ટીપું ભારતને મજબૂત કરવામાં ઉપયોગી બનશે.” ક્યારેક કુદરત શબ્દો મારફતે આગામી દિવસોનો સંકેત આપતી હોય છે. ભાષણ પછી ઇંદિરા ગાંધી રાજભવન પાછાં ફર્યાં હતાં. પાછાં ફર્યાં ત્યારે બહુ થાકી ગયાં હતાં.
એ રાતે તેઓ બહુ ઓછું ઉંઘ્યાં હતાં. તેમની સામેના રૂમમાં સોનિયા ગાંધી હતાં. વારે સાડા સાત વાગ્યા સુધીમાં ઇંદિરા ગાંધી તૈયાર થઈ ગયાં હતાં. એ દિવસે તેમણે કાળી બોર્ડરવાળી કેસરી રંગની સાડી પહેરી હતી. એ દિવસે બપોરે ઇંદિરા ગાંધી બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધઆન જેમ્સ કૈલેઘન અને મિઝોરમના એક નેતાને મળવાનાં હતાં. સાંજે બ્રિટનનાં રાજકુમારી ઍન માટે તેમણે ડિનર ગોઠવ્યું હતું. યમનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને સાંજે સાત વાગ્યા સુધીમાં દિલ્હી પરત ફરવાનો સંદેશો આદેશ અનુસાર મોકલી આપવામાં આવ્યો છે.
ઇંદિરા ગાંધી તેમને પાલમ એરપોર્ટ પર આવકારીને રાજકુમારી ઍન માટેનાં ડિનરમાં સામેલ થઈ શકે એટલા માટે એ સંદેશો મોકલવામાં આવ્યો હતો.એ વખતે ત્યાં ફરજ બજાવી રહેલા સલામતીરક્ષક બેઅંત સિંહે પોતાની રિવોલ્વર કાઢીને ઇંદિરા ગાંધી પર અચાનક ગોળીબાર કર્યો હતો.ગોળી ઇંદિરા ગાંધીના પેટમાં વાગી હતી. ઇંદિરા ગાંધીએ પોતાનો ચહેરો બચાવવા જમણો હાથ ઉઠાવ્યો હતો. એ વખતે બેઅંત સિંહે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર બે વધુ ફાયર કર્યા હતા.એ ગોળીઓ ઇંદિરા ગાંધીની બગલ, છાતી અને કમરમાં ઘુસી ગઈ હતી.