લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થતી માસિક રૂા. 1000ની સહાય
રાજયસરકાર દ્વારા દિવ્યાંગો માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓ અન્વયે રાજકોટ જિલ્લામાં 922 દિવ્યાંગ વ્યક્તિઓની ઇન્દિરા ગાંધી નેશનલ ડિઝેબિલિટી પેન્શન સ્કીમ મંજૂર કરાઈ છે.
18 થી 79 સુધીની ઉંમર, દિવ્યાંગતાનું 80% કે તેથી વધારે પ્રમાણ અને કૃત્રિમ અંગોથી પણ સ્વતંત્ર રીતે હલન-ચલન કે હરીફરી ન શકતા તથા ગરીબી રેખા હેઠળના દિવ્યાંગ અરજદારો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અન્વયે લાભાર્થીને માસિક રૂા. 1000/- આપવામાં આવે છે. જે રકમ અરજદારને ઉઇઝ મારફત સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગ વ્યક્તિએ ઓળખકાર્ડની ઝેરોક્ષની નકલ, ઉંમરનો દાખલો, વિકલાંગતા દર્શાવતું ડોક્ટરી સર્ટિફીકેટ, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીનો દાખલો વગેરે સાથે રજુ કરીને અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી રજૂ કરવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળી શકશે.
રાજકોટ જિલ્લામાં આ યોજના શરુ થઇ ત્યારથી આજ સુધી કુલ 922 અરજીઓ આવી હતી, જે તમામની અરજી મંજૂર કરી તેમને આ માસિક સહાય ચૂકવવામાં આવે છે.