કર્ણાટકના હુબલી જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થતાં-થતાં રહી ગયો. હુબલી એરપોર્ટ પર ઈન્ડીગો વિમાનના લેંડિંગ દરમિયાન તેનું ટાયર ફાટયું હતું. કેરળના કન્નુરથી ઉપડ્યા બાદ કર્ણાટકના હુબલિ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7979 લેંડિંગ કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી.
અગાઉથી પરિસ્થિતિની ખબર પડતાં પાયલોટે વિમાન પર કાબૂ મેળવી લીધો હતો. જેથી મુસાફરોને કોઈ નુકસાન થયું નહીં. ઈન્ડીગોએ પણ ટાયર ફાટવાની ઘટનાની પુષ્ટિ કરી છે. ઈન્ડીગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘સોમવારે રાત્રે 8:35 વાગ્યે સાત મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યો સાથે વિમાન સલામત રીતે લેંડ કરવામાં આવ્યું હતું.’
ઈન્ડીગોએ કહ્યું કે, ‘તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. આ સાથે વિમાનને હુબલીમાં રાખવામાં આવ્યું છે. જ્યાં તેની તપાસ કરવામાં આવી રહી છે.’ આ સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, ‘ફ્લાઇટ રાત્રે 8 વાગ્યે લેંડ કરવાની હતી. પરંતુ ભારે વરસાદ અને હવાને કારણે થોડું મોડુ થયું હતું. રાત્રે 8.03એ પાઇલટે વિમાનને લેંડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલાં તેણે રાઉન્ડ પ્રેક્ટિસ કરવી પડી હતી. અંતે વિમાન 8:34 પર લેંડ થયું.’