કોર્પોરેશન દ્વારા પેવિંગ બ્લોક નાખવા, પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલીંગ માટે, બીએસએનએલ દ્વારા ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક માટે આડેધડ ખોદકામ કરાતા રાજમાર્ગો બન્યા ગાડામાર્ગ
સ્માર્ટ સિટી ગણાતા રાજકોટ શહેરમાં હાલ મોટાભાગના રાજમાર્ગો પર આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જે વિસ્તારમાં હજી ૬ માસ પૂર્વે જ નવા ડામર રોડ બન્યા છે ત્યાં પણ ખોદકામ કરી દેવાતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. પેવિંગ બ્લોક નાખવા માટે મહાપાલિકા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ પર આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે તો પાણીની પાઈપલાઈન નાખવા માટે અમીન માર્ગને રીતસર વિંધી નખાયો છે.
હાલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની નવી પાઈપલાઈન નાખવા તથા પેવિંગ બ્લોક ફિટ કરવા માટે જયારે બીએસએનએલ દ્વારા ઓપ્ટીકલ ફાયબર નેટવર્કના કેબલ બિછાવવા માટે અને પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ માટે રોડને ખોદી નાખવામાં આવ્યા હોવાના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ગાડામાર્ગમાં ફેરવાઈ ગયા છે. કેબલ અને પાઈપલાઈન બિછાવવાનું કામ પૂર્ણ થયા બાદ રોડ પરના ખાડાઓ વ્યવસ્થિત બુરવામાં આવતા ન હોવાના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય લોકો પર ઝળુંબી રહ્યો છે. જે વિસ્તારોમાં ૫-૭ માસ પૂર્વે જ પેવર કામ કરવામાં આવ્યું છે ત્યાં પણ આડેધડ રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાપાલિકા દ્વારા હાલ અમીન માર્ગ પર પાણીની પાઈપલાઈન નાખવા માટે આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે.
જયારે પુષ્કરધામમાં પેવિંગ બ્લોક ફીટ કરવા માટે રોડને ભુંડે હાલ ખોદી નાખવામાં આવ્યો છે.