કરોડો યુવાનો ટીકટોકના માધ્યમથી તેમનામાં રહેલી કળા-કૌશલ્યને ડિજિટલી લોકો સુધી પહોંચાડતા હતા. પરંતુ ચાઈના સાથેના સંબંધની પરિસ્થિતિ વિફરતા ભારતે ટીકટોક સહિત ૧૧૮ ચાઈનીઝ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ મુકતા યુવાનોમાં હતાશાની લાગણી ફેલાઈ હતી. પરંતુ સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન અનુસાર ટીકટોક એ ભારતની સંપતિ છે અને રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન ટીકટોકને ફરીવાર ભારતમાં લોન્ચ કરવા બીડરોના જુથને શોધી રહી છે. જેથી સક્રિય રીતે સ્થાનિક ભાગીદારોની મદદથી ટીકટોકને ફરીવાર ભારતમાં શરૂ કરી શકાય.
ગત મહિનામાં ટીકટોકમાં શેર ધરાવતી જાપાની કંપનીએ પેરન્ટ બાઈટ ડાન્સ લીમીટેડ કંપની ખાતે વાત મુકી હતી કે, તેઓ પણ ટીકટોકમાં શેર ધરાવે છે. જેથી કોઈપણ નિર્ણય કર્યા પૂર્વે ભાગીદારનો મત લેવો અતિ આવશ્યક છે. જ્યારે જાપાની સંગઠને ભારતની રિલાયન્સ જીયો ઈન્ફોકોમ લી. અને ભારતી એરટેલ લી.ના વડાઓ સાથે વાતચીત કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. જો કે બાઈટ ડાન્સ, સોફટ બેંક, જીયો ઈન્ફોકોમ અને ભારતી એરટેલના પ્રતિનિધિઓએ આ અંગે કોઈપણ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો.
ટીકટોક હાલ અનેકવિધ દેશોમાં તેનો હિસ્સો વેંચવા નીકળ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે ટીકટોક સહિતની ચાઈનીઝ એપના કારણે કરોડો લોકોની વ્યક્તિગત માહિતીઓ ચાઈના પાસે રહેતા હોય ખુબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવાની આશંકા ઉભી થઈ હતી. તેમજ ભારત અને ચાઈના વચ્ચેના તણાવને કારણે જ્યારે ભારતે ચાઈનીઝ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ લાદયો તેના કારણે પણ કરોડો લોકોએ ટીકટોક સાથે છેડો ફાડ્યો હતો. જેનાથી ટીકટોકને ખુબ મોટી નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટીકટોક અને બાઈટ ડાન્સને તેમનો હિસ્સો અન્ય દેશને વેંચી આપવા સુચન કર્યું હતું. જેના પરિણામે હાલ આ બન્ને કંપનીઓ ભારતની મુખ્ય બે ટેલીકોમ કંપનીઓ સાથે વાટાઘાટો કરી છે. ઉપરોકત તમામ મુદ્દાઓને ધ્યાને લઈ એવું કહી શકાય કે, સ્થાનિક રોકાણકારોને સાથે રાખી ટૂંક સમયમાં ટીકટોકને ભારતીય રંગ આપી લોન્ચ કરવામાં આવે તો નવાઈ નહીં. જેના માટે હાલ સ્થાનિક રોકાણકારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.