પતંજલિને કોરોના માટેની દવા બનાવવાની મંજૂરી ન આપ્યાનો ઉતરાખંડ સરકારનો ઈન્કાર: આયુષ મંત્રાલયે દવાના પ્રચાર પ્રસાર પર રોક લગાવ્યો
ચીનમાંથી વિશ્ર્વના મોટાભાગના દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસની હજુ સુધી અકસીર સારવાર શોધાય નથી જેથી કોરોનાના દર્દીઓ પર અવનવી દવાઓનાં આ ખતરા કરવામાં આવી રહ્યા છે. આવા જ અખતરામાં તાજેતરમાં દર્દીઓને એન્ટીવાયરસ દવા રેનોસિવીટના ૨૦ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ દવાનો એક ડોઝ પાંચથી છ હજાર રૂ.માં દર્દીને પડે છે. જેથી કોરોનાના ધીકતા વેપલામાં કમાઈ લેવા બાબા રામદેવે ઝંપલાવીને પોતાની પતંજલી આયુર્વેદીક કંપની દ્વારા ‘કોરોનીલ’ દવા બનાવીને બજારમાં લોન્ચ કરીને ‘સ્વદેશીકરણ’ દ્વારા કમાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાબાના પાસા અવળા પડતા હોય તેમ આયુષ મંત્રાલય બાદ ઉતરાખંડ સરકારે પર પતંજલીને આવી દવા બનાવવાની મંજૂરી નહી આપ્યાનો ખુલાસો કર્યો છે.
યોગગુરૂ બાબા રામદેવે પોતાની આયુર્વેદીક કંપની પતંજલી દ્વારા બનાવેલી કોરોનીલ દવાને લોન્ચ કરી હતી. આ દવા લોન્ચ કરતા સમયે બાબાએ આ દવા કોરોના પર અકસીર હોવાનો દાવો કરીને આ દવાના કલીનીકલ ટ્રાયલમાં માત્ર સાત દિવસમાં ૧૦૦ ટકા કોરોના દર્દીઓ સાજા થયાનું જણાવ્યું હતુ જે બાદ વિવાદ થતા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે આ દવાની અસરકારકતા ચકાસવા માટેનો નિર્ણય કરીને ત્યાં સુધી આ દવાના પ્રચાર-પ્રસાર નહી કરવાનો પતંજલી કંપનીને આદેશ કર્યો હતો. આયુષ મંત્રી શ્રીપાર નાયકે જણાવ્યું હતુ કે પતંજલિએ કોરોના માટે ખાસ દવા બનાવી તે સારી બાબત છે. પરંતુ સરકારી પ્રક્રિયાને અનુસરવા આ દવા પર પ્રતિબંધ મૂકાયો છે.
આયુષ મંત્રાલયે પતંજલિને કોરોનીલ દવાના થયેલા સંશોધન, તેમાં રહેલા તત્વો તથા કલીનીકલ ટ્રાયલ સહિતની વિગતો આપવા જણાવ્યું હતુ. જે બાદ પતંજલિએ આ તમામ વિગતો આયુષ મંત્રાલયને પૂરી પાડયાનું મંત્રી નાયકે જણાવીને હાલમાં આ વિગતોની ચકાસણી થઈ રહ્યાનું ઉમેર્યું હતુ જો કે, દરમ્યાન ઉતરાખંડ સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં આયુર્વેદીક દવાના ઉત્પાદન માટેની મંજૂરી આપતા અધિકારીએ મીડિયા સમક્ષ એવો ખુલાસો કર્યો હતો કે પતંજલી આયુર્વેદ કંપની દ્વારા કોરોનીલ દવા બનાવવા માટે જે અરજી કરવામાં આવી છે તેમાં કોરોના વાયરસનો કયાંક ઉલ્લેખ નથી. કંપની દ્વારા કફ અને તાવમાં રોગપ્રતિકારક શકિત વધારનારી દવા બનાવવાની અરજી કરી હતી અને તે માટેની અમારા વિભાગે મંજૂરી આપી છે. ઉતરાખંડના આયુર્વેદ વિભાગે પતંજલિને નોટીસ ફટકારીને કોરોનાની ખાસ દવા કોરોનીલ બનાવવાની મંજૂરી કયાંથી મળી તે મુદે ખુલાસો કરવાનો નિર્ણય કર્યો છે.
આયુષ મંત્રાલયે પણ ઉતરાખંડ સરકારની લાયસન્સીંગ ઓથોરીટી વિભાગને પત્ર લખીને પતંજલી ગ્રુપને આપવામાં આવેલી મંજુરીની વિગતો મંગાવી છે જેથી આ મુદે બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કોરોનામાં રોગ પ્રતિકારક શકિત વદારીને રોગમુકત થઈ શકાય છે. ત્યારે આયુર્વેદમાં રોગ પ્રતિકારક શકિત વધારનારી અનેક ઔષધીઓ આવેલી છે. આવી ઔષધીઓમાંથી બનેલી રોગ પ્રતિકારક શકિત વધારનારી દવાને કોરોના સામે અકસીર ‘બાબા-ગોળી’ ગણાવીને લોન્ચ કરવાનું પતંજલિને ભારે પડી રહ્યું છે. રાજસ્થાન સરકારે પર આ દવાનું જયપૂરમાં કલીનીકલ ટ્રાયલ ન થયાનું જણાવ્યું છે. જેથી એવું સ્પષ્ટ થવા પામ્યું છે. કે કોરોનાના ધીકતા વેપલાનું ‘સ્વદેશીકરણ’ કરીને બાબા રામદેવનો કમાઈ લેવાનો આ પ્રયાસ હોય શકે છે.