ભારતની મહિલા હોકી ટીમે અહીં રવિવારે પાંચમી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રારંભિક મેચ જીતીને વિજયી શરૂઆત કરી હતી. ભારતે જાપાનને ૪-૧થી હરાવી દીધી હતી. યુવાન ખેલાડી નવનીત કૌરે (સાતમી, પચીસમી, પંચાવનમી) મિનિટમાં ગોલ કરીને હેટ-ટ્રિક નોંધાવી હતી અને એ હેટ-ટ્રિક બાદ અનુપા બાર્લાના વધુ એક ગોલની મદદથી ભારતે ૪-૦થી સરસાઈ મેળવી હતી.
મેચની અંતિમ પળોમાં (૫૮મી મિનિટમાં) જાપાનની અકી યમાદાએ ગોલ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમે એ પહેલાં જ જીત પર કબજો કરી લીધો હતો.
નવનીતને વુમન ઑફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે મેચ પછી કહ્યું હતું કે ઇન્ટરનેશનલ હોકીમાં આ મારો પ્રથમ વુમન ઑફ ધ મેચ અવોર્ડ છે અને એ સ્વીકારતાં મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.
આ ટૂરમાં કેપ્ટન રાની રામપાલ નથી, પરંતુ તેની ગેરહાજરીમાં અમે બધા પોતપોતાની જવાબદારી સમજીને રમી રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક આ સ્પર્ધાની ટ્રોફી જીતવાનો છે.
એ જીતીને અમે બુલંદ જોશ સાથે વિમેન્સ હોકી વર્લ્ડ કપમાં રમવા જઈશું.હવે ભારતીય ટીમની મેચ બુધવારે ચીન સામે રમાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com