ભારતના ખેડૂત અને ખેતીને સધ્ધર બનાવતી કપાસની ખેતીને રૂપિયા સામે
ડોલરની મજબૂત સ્થિતિથી નિકાસમાં વધુ ફાયદો, નિકાસ 7 વર્ષની ટોચે
ખેડ, ખેતરને પાણી લાવે સમૃધ્ધી તાણીની આ ખેતી અને ખેડૂતને લાભ કરતી કહેવતમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂત સ્થિતિથી કપાસની ખેતીને વધુ લાભ મળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભારતની કપાસની આયાત 2020ની સરખામણીમાં આ વર્ષે 40 ટકા જેટલી વધવાની શકયતા છે તેની સામે રૂપિયા સામે ડોલરની મજબૂત સ્થિતિ કપાસની નિકાસમાં નાણાની રેલમછેલ કરી દેશે. છેલ્લા 7 વર્ષમાં આ વખતે કપાસની નિકાસમાં 40 ટકાનો વધારો થયો છે અને 70 લાખ ગાસડીઓની નિકાસ થઈ છે ત્યારે નિકાસના આ વિનીમયમાં રૂપિયા સામે ડોલરની મજબૂત સ્થિતિથી કપાસના ભાવ અને વળતર વધુ મળી રહ્યાં છે. 2020-21ની આ મોસમમાં ઓકટોબર મહિનાથી શરૂ થયેલી કપાસની સીઝનમાં અમેરિકા અને બ્રાઝીલ જેવા કપાસના વેપાર માટે મહત્વના રાષ્ટ્રો અને એશિયન બજારના સૌથી મોટા ખરીદદાર ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો સાથે ભારતના કપાસના નિકાસના આ વ્યવહારમાં આ વખતે ડોલરની મજબૂત સ્થિતિ ભારતના નિકાસકારો માટે લાભનું કારણ બની ગયું છે. કોટન એસોશીએશન ઓફ ઈન્ડિયાના અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે, નિકાસની માંગ સારી છે કારણ કે વિશ્ર્વની બજારમાં ભારતનો કપાસ સૌથી સસ્તા દરે ઉપલબ્ધ છે. વૈશ્ર્વિક ભાવોમાં સુધારો નવી સીઝનના ભારતના નિકાસ કારો માટે વધુ લાભકારક બન્યો છે. વિશ્ર્વના કપાસ બજારમાં અત્યારે 17 મહિનામાં સૌથી વધુ ભાવ મળી રહ્યાં છે. ભારતીય રૂપિયો આ અઠવાડીયે બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે ત્યારે વિદેશી વેચાણથી વેપારીઓના માર્જીનમાં વધારો થયો છે. વૈશ્ર્વિક ટ્રેડીંગ કંપનીના ડિલરોના મત મુજબ નવેમ્બર મહિનામાં કપાસના દરિયાઈ પરિવહન માટે ચાઈના, બાંગ્લાદેશ અને વિયેતનામના ખરીદદારોને લઘુતમ કિંમત અને લોજેસ્ટીક ચાર્જીસ સાથે 74 સેન્ટની કિંમતે કપાસની ઓફર કરવામાં આવી રહી છે. મોટાભાગની નિકાસ ચીન અને બાંગ્લાદેશ તરફ જઈ રહી છે. નિકાસકાર ડીડીના મેનેજીંગ ડિરેકટર અરૂણ સકશેરીયાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 4.55 મીલીયન ગાસડીની સરખામણીમાં દેશમાં આ વખતે કપાસનું ઉત્પાદન વધુ થશે તેનાથી નિકાસ માટે ભારત પાસે પુરતો માલ છે. ગયા વર્ષે 7 લાખ ગાસડીની નિકાસ થઈ હતી. ક્ધટેનરોની મર્યાદિત સ્થિતિના કારણે નિકાસમાં થોડો વિલંબ આવ્યો છે પરંતુ વૈશ્ર્વિક બજારમાં અત્યારે ડોલરની વધુ મજબૂત સ્થિતિના કારણે રૂપિયામાં કમાણીથી કપાસના નિકાસકારોને માર્જીન વધુ મળી રહ્યું છે. વૈશ્ર્વિક માંગ ઉપર ભારતીય કપાસની નિકાસમાં 20 થી 30 ટકાનો વધારાની સંભાવના છે. ભારતની સુતરાઉ નિકાસમાં પણ તેજી આવી છે અને ડોલર સામે રૂપિયો નીચે જતાં ડોલરની કમાણી વધતા કપાસના નિકાસકારોને અત્યારે રૂપિયો નબળો હોવા છતાં રૂપિયાની આવક વધુ લાભકારી બની છે.