બીજા દાવમાં શ્રીલંકાની ટીમ ૧૬૬ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતની એક ઈનીંગ અને ૨૩૯ રને તોતીંગ જીત: બેવડી સદી ફટકારનાર સુકાની વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ: દિલ્હીમાં ૨ થી ૬ ડિસેમ્બર ખેલાશે ત્રીજી અને અંતિમ ટેસ્ટ
આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વનનું સ્થાન શોભાવી રહેલી ટીમ ઈન્ડિયાના ધુરંધરોએ આજે નાગપુર ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમને એક ઈનીંગ અને ૨૩૯ રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે વિરાટ સેનાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી લીધી છે. બેવડી સદી ફટકારનાર સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો અંતિમ ટેસ્ટ હવે ૨ થી ૬ ડિસેમ્બર દરમિયાન દિલ્હીના ફરીઝશાહ પોટલા સ્ટેડિયમ ખાતે રમાશે.
કોલકતા ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વરસાદ વેરી બનતા ટીમ ઈન્ડિયા જીતથી વંચિત રહી હતી દરમિયાન નાગપુર ખાતે ગત ૨૪મીથી શ‚ થયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાના સુકાની ચંદીમલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું. ટેસ્ટના પ્રથમ દિવસે જ લંકાની પુરી ટીમ પ્રથમ દાવમાં માત્ર ૨૦૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે પોતાના પ્રથમ દાવમાં ઓપનર મુરલી વિજય (૧૨૮ રન), ધરખમ બેટસમેન ચેતેશ્ર્વર પુજારા (૧૪૩ રન), રોહિત શર્મા (અણનમ ૧૦૨ રન)ની સદી તથા સુકાની વિરાટ કોહલીના (૨૧૩ રન) બેવડી સદી મદદ વડે માત્ર ૬ વિકેટના ભોગે ૬૧૦ રનનો તોતીંગ જુમલો ખડકી પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ૪૦૫ રનના વિશાળ દેવા સાથે બીજો દાવ લેવા મેદાનમાં ઉતરેલી લંકાની ટીમનો પરાજય મેચના ત્રીજા દિવસે જ નકકી થઈ ગયો હતો. આજે ટેસ્ટના ચોથા દિવસે એક માત્ર લંકાના સુકાની ચંદીમલને બાદ કરતા એક પણ શ્રીલંકાનો બેટસમેન ભારતીય બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને રિતસર ઘુંટણીયે પડી ગયા હતા. ટેસ્ટના ચોથા દિવસે પહેલા જ શ્રીલંકાનો બીજો દાવ માત્ર ૧૬૬ રનમાં સમેટાઈ જતા નાગપુર ટેસ્ટમાં ભારતનો એક ઈનીંગ અને ૨૩૯ રને શાનદાર વિજય થયો હતો. પ્રથમ દાવમાં ૪ વિકેટ ઝડપનાર રવિચંદ્ર અશ્ર્વિન બીજા દાવમાં પણ ૪ વિકેટો ખેડવી હતી. આ ઉપરાંત ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટો ખેડવી હતી. બીજા ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી ૨ થી ૬ ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં ત્રણ ટેસ્ટની શ્રેણી પૈકીનો અંતિમ ટેસ્ટ રમાશે.