પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ ચૂંટણીની તૈયારીમાં પડેલા ભારતમાં સરકારી, રાજદ્વારી અને અખબારી ગતિવિધીઓની દિશા અચાનક બદલાઇ ગઇ છે. આમેય તે છેલ્લા ત્રણેક મહિનાની ઘટનાઓ જોશો તો એશિયામાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે કે તેની આડકતરી અસર ભારતને થાય છે. ડિસેમ્બર-૧૮માં અમેરિકાએ અફધાનિસ્તાનમાંથી ૭૦૦૦ સૈનિકોને પાછા બોલાવવાની વાત કરી કે તુરત જ ભારતને તાલિબાનોની ચિંતા વધી છે.

એમાં વળી સરહદે સૌનિકો શહીદ થયા. પોખરણમાં સૌન્યની કવાયત વચ્ચે ગમે ત્યારે છમકલાંના ભણકારા વાગી રહ્યા છે, આ દરમિયાન સાઉદીના પ્રિન્સ ભારત આવીને ૧૦૦ અબજ ડોલરનું મુડીરોકાણ કરવાની જાહેરાત કરીને ભારત સાથે વ્યવસાયિક સંબંધો વધારવાની ખાતરી આપી ગયા. જો કે આજ પ્રિન્સ પાકિસ્તાનને ૨૦ અબજ ડોલરની આર્થિક સહાય કરવાનું પણ વચન આપીને આવ્યા છે. પરિણામે એશિયામાં પરિસ્થીતી ડામાડોળ થઇ છે.

અમેરિકા અફધાનિસ્તાનમાંથી સૌન્ય હટાવે એટલે તાલિબાનોને પેંતરા કરવામાં આસાની મળશે જેની સીધી અસર ભારતને થશે એ વાત નક્કી છે. હવે પાકિસ્તાન, કાશ્મિર અને અફઘાસ્તિાનમાં અશાંતિ વધવાની સંભાવના નકારી શકાય નહી. પરિણામે નછુટકે ભારતને અફઘાનિસ્તાન સાથેનાં સંબંધોની રણનીતિ બદલવી પડશે.

આ તનાવ વધારનારી ગતિવિધીઓ વચ્ચે સાઉદીનાં પ્રિન્સ ગત સપ્તાહે ભારતની મુલાકાતે આવીને વ્યવસાયિક સંબંધો વધારવાની પહેલ કરી ગયા છે.ભારત સાથે કરેલા પાંચ ખઘઞ માં તેમણે ક્રુડતેલનાં કારોબાર ઉપરાંત નવા સેક્ટરોમાં ભારતમાં આગામી બે વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેમાં બન્ને દેશો વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસીંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં સાઉદી ભારતમાં રોકાણ કરે તેવી ગણતરી છે.

સૌ પ્રથમ સત્તાવાર અને માત્ર ૩૦ કલાકની ભારતની મુલાકાતમાં પ્રિન્સે ત્રાસવાદની નિંદા કરતું સંયુક્ત નિવેદન તો કર્યું જ સાથે ભારત સાથે ત્રાસવાદને ડામવા માટે સહકાર આપીને નેવલ તથા સાયબર સિક્યોરીટી ક્ષેત્રે કારોબાર કરવાનો પણ નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુન્ની પંથીઓના આતંકના કારણે સાઉદી પણ પરેશાન છે. આમ છતાં મુસ્લિમ દેશો ખાસ કરીને આરબ દેશોમાં સાઉદીની ઇકોનોમી વધારે મજબુત ગણાય છે.

સામાપક્ષે સાઉદીએ પણ પોતાના વિઝન-૨૦૩૦ ડેવલપમેન્ટ પ્લાનમાં ભારતને સાથે લેવાની અપીલ કરીને સંયુક્ત વિકાસની પહેલ કરી છે.આમેય તે છેલ્લા થોડા વર્ષોમાં બન્ને દેશો વચ્ચે કારોબાર વધી રહ્યો છે. સાલ ૨૦૧૭-૧૮માં દ્વિપક્ષીય વ્યાપાર ૨૭.૪૮ અબજ ડોલરે પહોંચ્યો હતો.

વૈશ્વીક સમુદાયમાં ભારતમાં રોકાણ કરનારા દેશોમાં હવે સાઉદીનો નંબર ૧૫ મો આવી ગયો છે. એટલે જ કદાચ પ્રિન્સ અને મોદીજીની બેઠક સાથે ભારત અને સાઉદીનાં ૪૦૦ જેટલા વ્યાપારી પ્રતિનીધિઓની પણ બેઠક યોજાઇ હતી. હવે બન્ને દેશો વચ્ચે દ્વિવાર્ષિક બેઠકો થશે જેમા વિકાસના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે. જો કે આજ સાઉદીના પ્રિન્સ ભારત આવતા પહેલા પાકિસ્તાન જઇને તેના અર્થતંત્રને મજબુત કરવા માટે ૨૦ અબજ ડોલરની સહાય કરવાનું વચન આપી આવ્યા છે.

આવા સંજોગોમાં ભારત પાકિસ્તાનને વૈશ્વીક સમુદાયથી વિખુટું પાડવાની રણનીતિમાં સાઉદીને કેવીરીતે જોડી શકશે એ એક સવાલ છે.કારણ કે સામાન્ય રીતે સાઉદી જે પહેલ કરે તે નિભાવે છે. ભારતમાં પણ છેલ્લા બે વર્ષમાં સાઉદી તરફથી ૪.૪ કરોડ ડોલરનું રોકાણ થયું જ છે. એશિયાઇ દેશોમાં વ્યવસાયિક સંબંધો મજબુત કરવા પાછળ સાઉદીની ગણતરી પોતાના દેશને ક્રુડ ઇકોનોમીથી બદલીને આવકના અન્ય ક્ષેત્રો વિકસાવવાનો છે. કારણ કે આગામી બે દાયકામાં વિશ્ર્વમાં કદાચ ક્રુડતેલની જરૂરિયાત ઘટે તો સાઉદીના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે તેમ છે.

બેશક ભારત માટે હાલમાં સંવેદનશીલ સમય છે. લોકસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પાર પાડવાની, પાકિસ્તાનને તેની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ પણ આપવાનો અને સાઉદી જેવા એશિયાઇ દેશો સાથે વ્યવસાયિક સંબંધો મજબુત કરીને પાકિસ્તાનને આર્થિક મોરચે ભિડવવા વૈશ્વીક સમુદાયને તૈયાર કરવાનો. અલબત્ત આપણી લોકશાહી, આપણી સરકાર અને લશ્કરી તાકાત સાથે મળીને આ તમામ મોરચે સફળ થવા સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.