જાંબાઝ ૭૦ જવાનોનું ઓપરેશન: ઈન્ડો-મ્યાનમાર સરહદ નજીકના એનએસસીએન કેમ્પોનો સફાયો: અનેક આતંકીઓ ઠાર
પાકિસ્તાનમાં ઘુસીને આતંકી અડ્ડાઓનો સફાયો કર્યાને એક વર્ષ બાદ ભારતીય સૈન્યએ હવે મ્યાનમાર સરહદે સર્જીકલ સ્ટ્રાઈક કરી દેશ વિરોધી પ્રવૃતિ કરનાર તત્ત્વોનો નાશ કર્યો છે.આજે વહેલી સવારે ભારતીય સૈન્યના ચુનીંદા ૭૦ જવાનો મ્યાનમાર બોર્ડરની અંદર ઘુસ્યા હતા. જયાં સરહદ નજીકના લાંગખુ ગામ પાસે સ્થપાયેલા એનએસસીએન આતંકી કેમ્પોમાં પનાહ લઈ રહેલા નાગા ઉગ્રવાદીઓનો સફાયો કરાયો હતો. આ સર્જીકલ સ્ટ્રાઈકમાં અનેક આતંકીઓને ઠાર કરાયા હોવાનું જાણવા મળે છે. આતંકી શિબીરોનો ભારતીય સૈન્યએ નાશ કર્યો છે.તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભારતીય સૈન્યએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકને એક વર્ષનો સમય પૂર્ણ થયો છે. સેના અધ્યક્ષે બે દિવસ પહેલા જ આતંકવાદીઓના નાશ માટે જરૂર પડે તો સર્જીકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી પણ દર્શાવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે ભારતીય સૈન્યએ આતંકવાદના ખાતમા માટે પગલા લેવાનું શરૂ કર્યું હતું. મળતી વિગતો અનુસાર સવારે ૫ વાગ્યાના અરસામાં ભારતીય કમાન્ડો મ્યાનમાર સરહદમાં ઘુસ્યા હતા. જયાં નજીકમાં સ્થપાયેલા આતંકી કેમ્પોના ખાત્મા માટે જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં ભારતીય સૈન્યએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકની વરસીએ જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે સૈન્યના જવાનોએ ફરી આતંકીઓ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. બન્ને પક્ષે ભારે ગોળીબાર થયો હોવાનું જાણવા મળે છે. અલબત ભારતીય સૈન્યને આ અથડામણમાં નુકશાન થયું નથી.