વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આ વખતનો અમેરિકા પ્રવાસ ઐતિહાસિક છે એટલું જ નહિં અનેક રીતે મહત્વપૂર્ણ છે. એક સમયે જે અમેરિકાએ નરેન્દ્રભાઇને વિઝા આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. તે અમેરિકાએ સ્ટેટ ગેસ્ટનો દરજ્જા સાથે પોતાના દેશમાં બોલાવ્યા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે અમેરિકાના વિઝા ગુજરાતના અમદાવાદમાંથી મળશે. આ ઘટના પણ કોઇ મોટા કરિશ્માથી રતિભાર પણ ઓછી નથી. કારણ કે હવે વિશ્વભરમાં ભારતની સાથે ગુજરાતનો પણ દબદબો વધશે. અત્યાર સુધી ભારતના કોઇ વડાપ્રધાનને અમેરિકામાં માન-સન્માન આપવામાં ન આવ્યું તેટલું માન-સન્માન નરેન્દ્રભાઇ મોદીને મળ્યું છે.

અમેરિકી સાંસદમાં સતત 58 મિનિટના સંબોધન દરમિયાન તેઓને 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને 79 વખત તાલીઓ પડી જે સાબિત કરે છે કે જગત જમાદારને પણ હવે ભારતની જરૂરિયાત વર્તાઇ રહી છે. વિશ્વના કોઇપણ દેશે જો વિકાસ સાધવો હશે અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવી હશે તો ભારતના સાથ વિના તે વાત શક્ય નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ભારત વિશ્વગુરૂ બનશે. હવે આ વાત સાચી લાગી રહી છે.

વિશ્વગુરૂ બનવા તરફ ભારતની મક્કમ આગેકૂચ જોવા મળી રહી છે. દરેક ક્ષેત્રે ભારત વિકાસ સાધી રહ્યું છે. એક તરફ વિશ્વના અન્ય દેશોમાં મંદી છે ત્યારે ભારતનું અર્થતંત્ર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. જે દર્શાવે છે કે મક્કમ નિર્ણયશક્તિ, કામ કરવાની નિયત અને નીતી હોય તો કોઇપણ કામ ક્યારેય અશક્ય હોતું નથી. વિશ્વના કોઇપણ દેશના પ્રવાસે જાય ત્યારે નરેન્દ્રભાઇ માટે જે રીતની લાલજાજમ બિછાવવામાં આવે છે તે દર્શાવે છે કે હવે ભારત માટે ખરેખર સુવર્ણ દિવસો આવી રહ્યા છે.

અમેરિકાનો પ્રવાસ પૂરો કરી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇજિપ્તના પ્રવાસે પહોંચી ગયા છે. અમેરિકા જે રીતે તેઓની મહેમાનગતિ કરવામાં આવી તેનાથી અનેક દેશોના પેટમાં ચૂંક ઉપડી ગઇ છે. 58 મિનિટના સંબોધન દરમિયાન તેઓએ આતંકવાદ અને અર્થતંત્ર પર જ ભાર મૂક્યો હતો. ભારતમાં ભલે અમૂક લોકો વડાપ્રધાનની કામગીરીને વખોડી રહ્યા છે પરંતુ વિશ્વના તમામ દેશોએ આડકતરી રીતે સ્વિકારી લીધું છે કે નરેન્દ્રભાઇ મોદી સૌથી મોટા વૈશ્ર્વિક લીડર તરીકે પ્રસ્થાપિત થઇ ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.