વર્ષ 2008 ની વૈશ્વિક મંદી બાદ નવા સાહસોને નાણાકિય સહાયતા પુરી પાડવા માટે તથા નવા કન્સેપ્ટ સાથે બજારમાં આવવા માંગતી કંપનીઓને ટેકો આપવા માટે ભાર સરકારે શરૂ કરેલી સ્ટાર્ટ અપની પહેલ થોડા સમયથી સ્લો અપ થઇ રહી છે. એપ્રિલ-22 જુન-22 નાં ત્રિમાસિક ગાળામાં ભારતમાં સ્ટાર્ટ અપ કંપનીઓનાં મુડી રોકાણમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હોવાનું એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. અહીં સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે માર્ચ-22 થી મુડીરોકાણનાં માસિક આંકડા સતત ઘટી રહ્યા છે. સામાન્ય રીતે ફીનટેક કંપનીઓ આવા મુડીરોકાણ એકત્રિત કરવામાં મોખરે હોય છૈ પરંતુ છેલ્લા ત્રિમાસિકમાં આ કંપનીઓને મળેલા મુડીરોકાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં એક આશ્વાસન એ લઇ શકાય કે ડીલ વેલ્યુમાં ઘટાડો થયો હોવા છતાં ગ્રોથ સ્ટેજમાં આવતી ફંડીંગની ઓફર યથાવત રહી છે.
આમ તો અગાઉ પણ આવા મંદીના મહિના આવ્યા હતા પણ આટલી હદે મુશ્કેલી પડી નહોતી. અગાઉ ડિસેમ્બર-21 તથા જાન્યુઆરી-22 માં ફંડીગ ઘટ્યા હા પણ પાછા ફેબ્રુઆરી-22 માં પ્રવાહ બદલાયો હતો. એપ્રિલ-22 માં આશરે 3.4 અબજ ડોલરનું મુડીરોકાણ આવ્યું જે માર્ચ-22 નામ 4.6 અબજ ડોલરનાં રોકાણ કરતાં ઓછું હતું. ત્યારબાદ મે-22 માં પણ માંડ 1.6 અબજ ડોલરનું મુડીરોકાણ આવ્યું જે 117 ડીલ મારફતે આવ્યું હતું. જો કે એપ્રિલ-22 નાં રોકાણ કરતાં તે 53 ટકાનો ઘટાડો દેખાડે છે. આ સમયગાળામાં જ ઝેપ્ટો જેવી કંપનીઓ આવી હતી.
હાલમાં આ સેગ્મેન્ટને 2021 નાં છેલ્લા ત્રણ મહિના ઐટલે કે ઓક્ટોબર, નવેમ્બર તથા ડિસેમ્બરમાં જે નાણા મળ્યા હતા તેવી આવકની જરૂર છે. એ ત્રણ મહિનામાં 14.4 અબજ ડોલર એકત્રિત થયા હતા જે 2021 નાં વર્ષનાં કુલ 42 અબજ ડોલરનાં રોકાણનાં ત્રીજા ભાગનાં હતા. એમ તો કંપનીઓઐ બે મહિનાની મંદી છતાં 2022 નાં પ્રથમ ત્રણ મહિનામાં 11.7 અબજ ડોલર ઉઠાવ્યા હતા. યાદ રહે કે 2022 નાં પ્રથમ ત્રણ મહિનામાં 13 યુનિકોર્ન કંપનીઓ આવી હતી જ્યારે બીજા ત્રણ મહિનામાં એક માત્ર આવી હતી. સતત ત્રણ ત્રિમાસિક સુધી સ્ટાર્ટ અપ કંપનીઓએ દરેક ત્રણ મહિનાનાં ગાળામાં 10 અબજ ડોલરથી વધારે નાણા એકત્રિત કર્યા હતા. પરંતુ છેલ્લા ત્રિમાસિકમા 6.8 અબજ ડોલર જ મળ્યા છે.
આમ તો મુડીરોકાણ ઘટવા પાછળ વૈશ્વિક મંદી, ટેકનોલોજી સ્ટોકનાં ભાવમાં ઘટાડો તથા મોંઘવારી જેવા મુદ્દા હાથવગા છે જ પણ સાથે જ એવા પણ મુદ્દાઓ છે જેના ઉપર ગંભીર પણે વિચારવાની જરૂર છે. આ સર્વેમામ જાણવા મળ્યું છે કે 77 ટકા જેટલા વેન્ચર કેપિટલ રોકાણકારો માને છે કે હવે ભારતીય સ્ટાર્ટઅપ્સ કંપનીઓ પાસે ઇનોવેશન કે બિઝનેસનાં યુનિક મોડેલ હોતા નથી. આશરે 91 ટકા જેટલા સ્ટાર્ટઅપ સાહસો પ્રથમ પાંચ વર્ષમાં ધોવાઇ ગયાં છે જેના માટે મોટું કારણ ઇનોવેશનનો અભાવ હોવાનું જણાવાયું હતુ. ભારતનું સ્ટાર્ટઅપ માળખું એ વિશ્વમાં ત્રીજા ક્રમનું છે. આમછતાંયે હજુ આપણે વિશ્વને ફેસબુક, ગુગલ કે ટ્વિટર જેવા મેગાવિઝન સ્ટાર્ટઅપ આપી શક્યા નથી.
હજુપણ ભારતીયોમાં માનસિકતા છે કે નાણા મળે છેને લઇ લો, પછી જોયું જશે. ખરેખર તો આપણી કંપનીઓએ વિદેશી સ્ટાર્ટઅપનું આંધળું અનુકરણ કે નકલ બંધ કરવા પડશે. સ્થાનિક બજારને સમજી ગ્રાહકોની અગવડ સમજીને તેને અનુરૂપ સ્ટાર્ટઅપ સેવા શરૂ કરવી પડશે.
વોરેન બફેટ તથા બિલગેટ્સની સફળતા પાછળ તેમનું ફોક્સ મહત્વનો ભાગ ભજવતુ હતું. જ્યારે આપણે ત્યાં ઘણી કંપનીઓનું ફોક્સ ફંડ એકત્રિત કરીને સરકારી લાભ ખાટવાનું, અન્ય ધંધામાં નાણા લઇ જઇને ટૂકાગાળે નફો રળવાનું કે પોતાની મુડીને સૌપ્રથમ ઘર ભેગી કરવાનું હોય છે. આમાં કંપનીનાં વ્યવસાય ઉપર ધ્યાન કેન્દ્રિત થઇ શકતું નથી.
સર્વેમાં ચોંકાવનારું તારણ એ પણ આવ્યું છે કે યોગ્ય ટેલેન્ટ તથા સ્પર્ધાત્મક સ્વભાવના અભાવે 23 ટકા જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓનાં પાટિયા પડી ગયાં છે. બાકી હોય તો ઘણીવાર કંપનીઓનાં ગ્રાહક સેવા વિભાગો ગ્રાહકોની સમસ્યાને દુર કરવાને બદલે તેને અવગણતા હોય છે જેના પરિણામે ગ્રાહકો અન્ય વિકલ્પ શોધી લે છે. ખેર આ એવા મુદ્દાઓ છે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો હલ શોધી શકાય છે.આજે ભારતમાં સ્ટાર્ટઅપમાં મુડીરોકાણ ઘટ્યું છે તે વાત સાચી છે પણ સમયની સાથે ટ્રેન્ડ પણ બદલાઇ શકે છે. આપણે સાચી દિશામાં હિંમત કરવાની રહેશે. યાદ રાખવું કે હિંમત ક્યાંય ભાડે નથી મળતી અને કોશિશના કારખાના નથી હોતા બન્ને જાતે જ કરવા પડે છૈ..!