ભારતે 3 મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને એકતરફી મેચમાં હરાવીને મેચની સાથે સાથે વનડે શ્રેણી પર કબજો કર્યો હતો. આમ ભારતે ઈતિહાસમાં બીજી વખત જ દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે આ શ્રેણી 2 મેચ જીતીને આ ત્રણ મેચની શ્રેણીમાં કબજો કર્યો છે. ભારતે આ મેચ 78 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.
26 ડિસેમ્બરથી આફ્રિકા સામે બે ટેસ્ટ મેચનો પ્રથમ મેચ રમાશે
પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના નુકસાને 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનની સદી અને તિલક વર્માની અડધી સદીના આધારે 296 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 114 બોલમાં 108 રન જ્યારે તિલક વર્માએ 77 બોલમાં 52 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બુરોન હેન્ડ્રિક્સે ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતે આપેલા 297 રનના ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ટોની ડી જોર્જીએ મેચમાં 81 રન બનાવ્યા હતા. આ સિવાય એડન માર્કરામે 36 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન કોઈ ખાસ સિદ્ધિ બતાવી શક્યા નહોતા અને દક્ષિણ આફ્રિકાને નિયમિત અંતરે સતત આંચકાઓ મળતા રહ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી. અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. વનડે શ્રેણી જીત્યા બાદ તારીખ 26 ડિસેમ્બરથી આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચનો પ્રથમ મેચ રમાશે.