ઉત્પાદનની સાથો સાથ ડીજીટલાઇઝેશનમાં પણ ભારતે ‘નિર્ભરતા’ દુર કરતાં ચીનની કાગારોળ
કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશને આત્મ નિર્ભર બનાવવાના અભિયાનની હાંકલ કરી હતી. જેના અનુસંધાને દેશમાં જ ઉત્પાદન અને સેવાઓ વધે તે પ્રકારના પગલા તંત્ર દ્વારા લેવાયા હતા. દેશ-વિદેશની કંપનીઓ માટે લાલજાજમ પાથરવામાં આવી હતી. અને બીજી તરફ ચીનના માલ ઉપરની નિર્ભરતા દુર કરવા પ્રયાસ થયા હતા. દરમિયાન સરકારે ચાઇનીઝ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. પરિણામે ચીનના પેટમાં તેલ રેડાયું હતું.
આ મામલો ચીન ડબલ્યુટીઓ એટલે કે વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં લઇ ગયું છે. ભારતની આત્મ નિર્ભરતાથી ચીડાયેલા ચીનએ ભારતીય બજારની વિશ્ર્વનીયતા, પારદર્શકતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. ચીનને એપ્લીકેશન ઉપર પ્રતિબંધ મુદ્દે માત્ર ભારત સામે જ વાંધો નથી પરંતુ અમેરિકા ઉપર પણ ચીન રોષે ભરાયું છે.
નોંધનીય છે કે, ભારત સરકારે ચીનની ર૩૪ મોબાઇલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ડેટા સુરક્ષા મુદ્દે સરકારે ચિંતા વ્યકત કરી હતી. આ મુદ્દે વિદેશ વ્યાપાર અને મુડીરોકાણ સામે પણ સંકળાયેલો હોવાના કારણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીન દ્વારા કાગરોળ મચાવવામાં આવી હતી. ભારતે એપ્લીકેશન ઉપર મુકેલો પ્રતિબંધ ગેરકાનુની હોવાનું કહ્યું હતું. જો કે ભારતે પણ આ મુદ્દે ઘણા સમયથી પોતાનો પક્ષ મુકયો છે, માત્ર ઉત્પાદન નહી પરંતુ ડીજીટલ ક્ષેત્રમાં પણ ભારત આત્મ નિર્ભર બનાવા માંગે છે જે વાત ચીનને ખુંચી રહી છે.