ડુંગળી ખેડુત, ગ્રાહક, સરકાર અને હવે વિદેશીઓને પણ રડાવી રહી છે !

ડુંગળીના વધતા ભાવોને રોકવા કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા ભારતીય ડુંગળી પર નભતા નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોમાં તંગીથી ડુંગળીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આપણા દેશના ગરીબી માંડીને અમીરની થાળીમાં જોવા મળે છે. વિશ્વભરમાં ભારત ડુંગળીનું બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં કોલ્ડ સ્ટોરેજ જેવા સંગ્રહ માટેની યોગ્ય માળખાકીય સુવિધાના અભાવે અને ઓછી ઉત્પાદકતાની દર વર્ષે ઉનાવા પહેલા ડુંગળીના ભાવો આસમાને પહોંચી જાય છે. જેથી પાક બાદ ગગડેલા ભાવોથી ખેડૂતોને રડાવતી ડુંગળી ઉનાવા પહેલા ભાવ વધવાથી ગ્રાહકોને રડાવવા લાગે છે. તાજેતરમાં ડુંગળીના વધેલા ભાવોને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેથી ભારતની ડુંગળી પર નભતા નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળીની તંગી સર્જાતા આ દેશોમાં ડુંગળીના ભાવો સતત વધી રહ્યાં છે. જેથી, ભારતમાં ખેડૂતો, ગ્રાહકો અને સરકારને રડાવતી ડુંગળી વિદેશીઓને પણ રડાવતી થઈ ગઈ છે.

ડુંગળી છેલ્લા ઘણા દિવસોથી ભારતના લોકોને રડાવી રહી છે. તો હવે આ ડુંગળીની અસર અન્ય એશિયાઈ દેશો પર પણ પડી છે. એટલે કે ભારતની ડુંગળી પર જે દેશ નિર્ભર છે ત્યા ડુંગળીના ભાવ બમણા થઇ રહ્યા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ડુંગળીની કિંમત ૧૨૦% વધીને રૂ.૧૦૦ પ્રતિ કિલો પહોંચી ગયા છે. જે ૧૫ દિવસ પહેલાની સરખામણીએ બમણી છે અને ડિસેમ્બર ૨૦૧૩ બાદ સૌથી વધારે છે. શ્રીલંકાના મુખ્ય શહેરોમાં ડુંગળીના ભાવો ૩૦૦ શ્રીલંકાઈ રૂપિયા(૧૧૭ ભારતીય રૂપિયા)પ્રતિ કિલો થયા છે. અહીં એક સપ્તાહમાં જ ડુંગળીનો ભાવ ૫૦% સુધી ઊંચકાઈ ગયો છે. દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ડુંગળીના ભાવ ૭૦-૮૦ રૂપિયા કિલો સુધી પહોંચવાના કારણે સરકારે ગત રવિવારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.ભારતીય ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશે મ્યાંમાર, ઈજિપ્ત, તુર્કી અને ચીનથી ડુંગળીની સપ્લાય વધારી છે. પરંતુ ભારતીય ડુંગળી પર નિર્ભરતા એટલી વધારે છે કે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. ગત નાણાંકીય વર્ષમાં ભારતે દુનિયાભરમાં ૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. જેમાં અડધા કરતા વધારે નિકાસ એશિયાઈ દેશોમાં કરાઈ હતી. ચીન અને ઈજિપ્ત જેવા દેશોની સરખામણીએ ભારતથી નિકાસમાં ઓછો સમય લાગતો હોવાથી એશિયાઈ દેશો ભારતીય ડુંગળી પર વધારે નિર્ભર છે. બાંગ્લાદેશના વેપારીઓના કહ્યાં પ્રમાણે, અન્ય દેશ ભારતીય ડુંગળી પર પ્રતિબંધનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેઓ વધારે કિંમતની માંગ કરી રહ્યાં છે. ઈજિપ્તથી સપ્લાઈમાં ૧ મહિનો અને ચીનથી લાવવામાં ૨૫ દિવસનો સમય લાગે છે. જેની સરખામણીમાં ભારતને ઓછો સમય લાગે છે.

હાલના સંકટને ધ્યાનમાં રાખતા બાંગ્લાદેશની સરકાર સસ્તા ભાવે ડુંગળી વેચી રહી છે. સરકારી કંપની ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશના પ્રવક્તા હુમાયૂં કબીરના કહ્યાં પ્રમાણે, આયાતના તમામ વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. હવે ઓછામાં ઓછા ડુંગળી મંગાવવાનું લક્ષ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.